IPL 2021 : મહારાષ્ટ્રમાં સરકારે કોરોના મહામારી વચ્ચે IPLની ટીમોને આપી રાહત
મુંબઈઃ આગામી દિવસોમાં હવે ઈન્ડિયન પ્રિમીયર લીગ એટલે કે આઈપીએલનો શુભારંભ થવાનો છે. આઈપીએલની દસેક મેચનું મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા મુંબઈમાં રાત્રિ કર્ફ્યુ સહિતના કેટલાક પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. જો કે, રાત્રી કરફ્યૂની સ્થિતીમાં પણ IPL ની ટીમો રાત્રીના 8 વાગ્યા બાદ પ્રેકટીસ કરી શકશે. એટલું જ નહીં મેદાનથી હોટલ સુધી આવા જવા માટે પણ પરવાનગી સરકારે આપી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા સંક્રમણ ફેલતુ અટકાવવા માટે પગલા લેવામાં આવ્યાં છે. મુંબઈમાં રાત્રિ કર્ફ્યુની સાથે વીકએન્ડમાં લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુંબઇમાં આગામી 10મી એપ્રિલ થી IPL 2021 ની મેચ રમાનારી છે. કોરોના મહામારીને પગલે આ મેચ અન્ય સ્થળે ખસેડવાની અટકળો વહેતી થઈ હતી. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે IPL મેચોને લઇ કેટલાક મહત્વના નિર્ણય કર્યાં છે. આઈપીએલની ટીમોને મહારાષ્ટ્રમાં રાત્રી કર્ફ્યુ અને વિકએન્ડ લોકડાઉનમાં કેટલીક છુટછાટ આપી છે. જેથી ટીમો રાત્રીના 8 વાગ્યા બાદ પ્રેકટીસ કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. તેમજ વાનખેડે સ્ટેડિયમના કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો હતો. જો કે, મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયથી ક્રિકેટ પ્રેમીઓમાં ખુશી ફેલાઈ છે. મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયથી મુંબઇ ક્રિકેટ સંઘને મોટી રાહત મળી છે. જો કે, આઈપીએલની મેચ દર્શકો વિના રમાડવામાં આવશે.