- આઈપીએલ-2021 ફરીથી શરૂ
- કોરોનાના કારણે રોકી દેવામાં આવી હતી ટૂર્નામેન્ટ
- યુએઈમાં રમાશે બાકીની મેચ
મુંબઈ: આઈપીએલ-2021નો બીજો ફેઝ આજથી શરૂ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે કેટલીક મેચને રદ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે યુએઈમાં બાકી રહેલી તમામ મેચો રમાડવામાં આવશે.
પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને મહેન્દ્ર સિંહ ધોની ની આગેવાનીવાળી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ દુબઈમાં ટકરાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, ટોસ અડધો કલાક વહેલો સાંજે 7 વાગ્યે થશે.
IPLના પહેલા ફેઝમાં દિલ્હી કેપિટલ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર પ્રદર્શન કર્યું છે. બીજી બાજુ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સને આ સીઝનમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે સતત લડવું પડ્યું છે.
જો વાત કરવામાં આવે સંભવિત ટીમની તો મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (wk), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, જેમ્સ નીશામ/નાથન કુલ્ટર -નાઇલ, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ હોઈ શકે છે અને ચેન્નાઈ સુપર કિંગ્સમાં ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, મોઈન અલી, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, સેમ કરેન, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ/લુંગી એનગીડી અને ઈમરાન તાહિર.
પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો દિલ્હીની ટીમે 8 માંથી 6 મેચ જીતી છે અને 2 મેચ હારી છે. કુલ 12 અંક સાથે દિલ્હી ટોચ પર છે. તેની નેટ રન રેટ 0.547 છે. આઈપીએલની સૌથી સફળ ટીમોમાંની એક, એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે 7 માંથી 5 મેચ જીતી, જ્યારે 2 મેચ હારી. CSK 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. CSKની નેટ રન રેટ 1.263 છે.