Site icon Revoi.in

IPL 2022: દિનેશ કાર્તિક ફિનિશર નંબર-1 તરીકે ઝળક્યો, ત્રણ મેચમાં અણનમ 90 રન બનાવ્યાં

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં હાલ ક્રિકેટનો મહાકુંભ એટલે આઈપીએલ ચાલી રહ્યો છે અને દેશ-વિદેશના ખેલાડીઓ સ્ટેડિયમમાં પોતાનું શાનદાર પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો અનુભવી વિકેટ-કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક IPL 2022માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેમજ આરસીબી માટે દિનેશ કાર્તિક બેસ્ટ ફિનિશર તરીકે સામે આવી રહ્યો છે.

આરસીબી તરફથી દિનેશ કાર્તિક રાજસ્થાન રોયલ્સ સામે અણનમ 44 રન બનાવ્યા હતા. કાર્તિકે તેની શાનદાર ઈનિંગને કારણે 23 બોલની ઈનિંગમાં સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તેની શાનદાર ઈનિંગને કારણે આરસીબીએ ચાર વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો હતો. આ દરમિયાન કાર્તિકે શાહબાઝ અહેમદ સાથે છઠ્ઠી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી. કાર્તિક ઝડપી રન મેળવવાની વ્યૂહરચના સાથે ક્રીઝ પર ઉતર્યો હતો. 14મી ઓવરમાં તેણે રવિચંદ્રન અશ્વિનની બોલ પર એક સિક્સ અને ત્રણ ફોર ફટકારી હતી. અશ્વિનની તે ઓવરમાં કુલ 21 રન થયા હતા. આ ઉપરાંત કાર્તિકે નવદીપ સૈની અને પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં શાનદાર ચોગ્ગા ફટકારીને ટીમને જીતની નજીક પહોંચાડી હતી.

દિનેશ કાર્તિકે છેલ્લી બે મેચોમાં પણ આરસીબી માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંજાબ કિંગ્સ (PBKS) સામે જ્યાં કાર્તિકે 14 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) સામે, તેણે 7 બોલમાં અણનમ 14 રન ઉમેરીને ટીમને જીત અપાવી હતી. આમ કાર્તિકે અત્યાર સુધીમાં IPL 2022માં આઉટ થયા વગર 90 રન બનાવીને ટીમ માટે ફિનિશર તરીકે શાનદાર ભૂમિકા ભજવી છે. દિનેશ કાર્તિકને આરસીબીએ 2022ની નીલામીમાં રૂ. 5.50 કરોડમાં ખરીદ્યો હતો. ગત સિઝનમાં કાર્તિક કોલકતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ હતો. કાર્તિકે અત્યાર સુધીમાં આઈપીએલની 201 મેચમાં 25.83ની એવરેજથી 3848 રન બનાવ્યાં છે. જેમાં 18 અડધી સદીનો પણ સમાવેશ થાય છે.