નવી દિલ્હીઃ IPL 2022ની શરૂઆત પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ એક મોટો નિર્ણય લઈને ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રવિન્દ્ર જાડેજાને સોંપી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ધોનીએ પોતાના નિર્ણયથી સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે.
ચેન્નાઈએ કહ્યું હતું કે, “એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સોંપવાનો નિર્ણય કર્યો છે અને ટીમનું નેતૃત્વ કરવા માટે રવિન્દ્ર જાડેજાને પસંદ કર્યો છે. જાડેજા 2012 થી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે, જે CSKનું નેતૃત્વ કરનાર ત્રીજો ખેલાડી બન્યો છે. ધોની આ સિઝનમાં અને તે પછી પણ ચેન્નાઈ સુપર કિંગ્સનું હિસ્સો રહેશે.” ધોનીના સીએસકેના કેપ્ટશીપ અંગેના નિર્ણયથી ક્રિકેટ પ્રેમીઓમાં વિવિધ સવાલો ચર્ચાઈ રહ્યાં છે.
મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ માટે સૌથી સફળ કેપ્ટન સાબિત થયો છે અને તેણે પોતાની કેપ્ટનશિપમાં ચાર વખત ચેન્નાઈ માટે આઈપીએલનો ખિતાબ જીત્યો છે. ચેન્નાઈએ વર્ષ 2010, 2011, 2018 અને 2021માં IPL ટ્રોફી જીતી હતી. આ સિવાય ટીમ ઘણી વખત ફાઇનલમાં પણ પહોંચી હતી, પરંતુ ટાઇટલ ચુકી ગઇ હતી.
ધોનીની કપ્તાની હેઠળ, ચેન્નાઈ IPLની સૌથી શક્તિશાળી ટીમ તરીકે ઉભરી હતી અને તેણે અત્યાર સુધી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. જાડેજા ટીમનું નેતૃત્વ કેવી રીતે કરશે અને ટીમ કેવું પ્રદર્શન કરશે તે જોવું રહ્યું. જાડેજા પણ છેલ્લા ઘણા સમયથી ટીમ માટે ઘણો મહત્વનો ખેલાડી સાબિત થયો છે. આ વખતે તે એક નવા રોલમાં જોવા મળશે. ચેન્નાઈના મતે, ધોનીએ ભલે જાડેજાને કેપ્ટન્સી સોંપી હોય, પરંતુ તે એક ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયેલો રહેશે. આનો ફાયદો ટીમને ચોક્કસ મળશે. ધોની એક સારા કેપ્ટનની સાથે એક શાનદાર ફિનિશર પણ છે. છેલ્લી સિઝનમાં તેણે પોતાની ઝડપી ઇનિંગ્સથી ટીમને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.