- IPL 2022 નું આયોજન ભારતમાં થશે
- ટુર્નામેન્ટ પહેલા 3 દિવસ કડક ક્વોરેન્ટાઈન જરૂરી
- BCCI એ ટીમોને બાયો-બબલ પ્રોટોકોલ વિશે જણાવ્યું
મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 નું આયોજન ભારતમાં જ થઈ રહ્યું છે. 2020ની સીઝન સંપૂર્ણપણે UAEમાં અને ત્યારબાદ 2021ની સીઝન અડધા ભારતમાં અને અડધા UAEમાં યોજાયા બાદ ટુર્નામેન્ટ ફરીથી દેશમાં પાછી ફરી રહી છે.એવામાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેને કોરોના સંક્રમણના જોખમથી સુરક્ષિત બનાવવા અને તેને દેશમાં સંપૂર્ણ રીતે ગોઠવવા માટે કોઈ ભૂલ કરવા માંગતું નથી અને આ કારણોસર કડક બાયો-બબલ નિયમ બનાવ્યા છે.
બોર્ડે તમામ ફ્રેન્ચાઈઝીઓને બાયો-બબલ પ્રોટોકોલ વિશે જાણ કરી છે, જે મુજબ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી દરેક ટીમને ત્રણ દિવસની કડક ક્વોરેન્ટાઈનમાંથી પસાર થવું પડશે અને નેગેટિવ ટેસ્ટ આવે પછી જ ટુર્નામેન્ટના બાયો-બબલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
આ વખતે ટૂર્નામેન્ટનું આયોજન મુંબઈ અને પુણેમાં કરવામાં આવી રહ્યું છે.દરેક ટીમે મુંબઈ પહોંચતા કડક ક્વોરેન્ટાઈનમાંથી પસાર થવું પડશે. રિપોર્ટ અનુસાર, દરેકને ત્રણ દિવસ સુધી કડક ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.આ દરમિયાન, દરરોજ ટેસ્ટ કરવાના રહેશે, જે 24 કલાકના અંતરે હશે.ચોથા દિવસે, ફરીથી ટેસ્ટ કરવામાં આવશે અને જો તેનો રિપોર્ટ નેગેટિવ આવશે, તો જ તેને બાયો-સિક્યોર બબલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.પરંતુ એટલું નહીં, બબલમાં પ્રવેશ્યા પછી પણ દરેક વ્યક્તિએ આગામી ત્રણ દિવસ એટલે કે કુલ 6 દિવસ સુધી તેમનો કોરોના ટેસ્ટ કરાવવો પડશે.
ગત સિઝનમાં ભારતમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના માટે પણ કડક ક્વોરેન્ટાઈન નિયમો બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે પછી ભારતમાં સંક્રમણની બીજી લહેર શરૂ થઇ હતી, જેના કારણે કેટલાક ખેલાડીઓ સંક્રમિત જોવા મળ્યા અને ટૂર્નામેન્ટ રોકવી પડી.બોર્ડ આ વખતે આવી સ્થિતિ ટાળવા માંગે છે.