Site icon Revoi.in

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શન વચ્ચે કેપ્ટન હાર્દિક પંડ્યા સોમનાથ દાદાના શરણમાં

Social Share

અમદાવાદઃ આઈપીએલ હવે રંગ જમાવી રહ્યું છે અને મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ આઈપીએલની મજા માણી રહ્યાં છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની સતત ત્રણ મેચમાં હાર થઈ છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની કમાન હાર્દિક પંડ્યાના સોંપવામાં આવતા પૂર્વ કેપ્ટન રોહિત શર્માના પ્રશંસકોમાં રોષ ફેલાયો છે. સ્ટેડિયમમાં રોહિતના પ્રશંસકો હાર્દિક પંડયાનો હૂરિયો બોલાવી રહ્યાં છે. તેમજ સોશિયલ મીડિયામાં પણ પંડ્યાને સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જેથી હાલ હાર્દિક પંડ્યા ભારે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. દરમિયાન હાર્દિક પંડ્યા પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ દાદાના શરણે પહોંચ્યાં હતા. પંડ્યાએ સોમનાથ દાદાની પૂજા-અર્ચના કરી હતી. સોમનાથ દાદાના દર્શનનો હાર્દિક પંડ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પ્રથમ એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ સામે હાર બાદ મુંબઈની ટીમ લાંબા બ્રેક પર છે. મુંબઈ હવે 7મી એપ્રિલના રોજ મુંબઈના મેદાનમાં જ દિલ્હી સામે મેદાનમાં ઉતરશે. આ મેચમાં વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યકુમાર યાદવ મુંબઈની ટીમમાં સામેલ થાય તેવી શક્યતા છે. બીજી તરફ કેપ્ટન હાર્દિક પંડ્યા પણ જીતની આશા સાથે મેદાનમાં ઉતરશે. હાર્દિક પંડ્યા હાલ ભારે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. હાર્દિક પંડ્યાએ મુંબઈની ટીમની કપ્તાની સાથે ક્રિકેટ પ્રેમીઓનો વિશ્વાસ જીતવાનો છે. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ખેલાડીઓ પણ રેસ્ટ પર છે અને હાલ નેટ પ્રેકટીસ સાથે એક બીજા સાથે સમય પસાર કરી રહ્યાં છે. જેથી ટીમમાં એકતા જળવાય રહે.

દરમિયાન સોમનાથ દાદાના દર્શન કરતો હાર્દિક પંડ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ફેન્સ વિવિધ પ્રકારના રિએક્શન આપી રહ્યાં છે. કેટલાક પ્રશંસકોનું માનવું છે કે, જ્યારે કંઈ પોતાની તરફમાં કંઈ ના હોય ત્યારે ભગવાન જ સાથ આપે છે. હાર્દિક પંડ્યા આ સિઝનમાં પોતાને એકદમ શાંત રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હાર્દિક પંડ્યા ફરી પોતના ફોર્મમાં પરત આવશે અને એમઆઈની ટીમને ફરી એકવાર જીતના ટ્રેક ઉપર લાવશે.