મુંબઈઃ IPL-2024ની સીઝન પૂર્ણ થઈ ગઈ છે અને આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ વિજેતા બની છે. કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR)એ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 8 વિકેટથી હરાવીને ચેમ્પિયન બન્યું હતું. ટુર્નામેન્ટમાં તેમનું કોલકત્તા નાઈટ રાઈડર્સે ત્રીજું ટાઇટલ જીત્યું હતું. આ સિઝનને સફળ બનાવવા માટે ખેલાડીઓથી લઈને તમામ અધિકારીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફ સુધી તમામે મહેનત કરી છે. જેને ધ્યાનમાં રાખીને, BCCI સચિવ જય શાહે તમામ 10 સ્ટેડિયમના ગ્રાઉન્ડ્સમેન અને ક્યુરેટર્સ માટે ઈનામની રકમની જાહેરાત કરી છે. IPLના 10 નિયમિત સ્થળો પર ગ્રાઉન્ડ્સમેન અને ક્યુરેટરને 25 લાખ રૂપિયા અને 3 વધારાના સ્થળો પર ગ્રાઉન્ડ સ્ટાફને 10 લાખ રૂપિયા મળશે.
- સખત મહેનત માટે આભાર વ્યક્ત કર્યો
BCCI સેક્રેટરી જય શાહે ટ્વિટર પર લખ્યું, “અમારી સફળ T20 સિઝનના મહેનતું ગ્રાઉન્ડ સ્ટાફ છે જેમણે ખરાબ હવામાનમાં પણ શાનદાર પિચ આપવા માટે અથાગ મહેનત કરી હતી. 10 નિયમિત IPL સ્થળોએ ગ્રાઉન્ડ્સમેન અને ક્યુરેટર્સને 25 લાખ રૂપિયા અને 3 વધારાના સ્થળોએ દરેકને 10 લાખ રૂપિયા મળશે. તમારા સમર્પણ અને સખત મહેનત બદલ આભાર!”
- IPL-2024 દેશભરમાં 13 સ્થળોએ રમાઈ હતી
દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સે તેમના શેડ્યૂલમાં વધારાનું હોમ વેન્યુ ઉમેર્યા બાદ આ વર્ષની IPL દેશભરમાં 13 સ્થળોએ રમાઈ હતી. દિલ્હીએ તેની કેટલીક મેચો નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ઉપરાંત વિશાખાપટ્ટનમમાં રમી હતી, પંજાબે મુલ્લાનપુર ઉપરાંત ધર્મશાલામાં રમી હતી જ્યારે રાજસ્થાને જયપુર પછી ગુવાહાટીને તેના બીજા હોમ ગ્રાઉન્ડ તરીકે પસંદ કર્યું હતું.