IPL 2024: રવિન્દ્ર જાડેજાએ ફટકારી સિક્સરની સદી, જાણો કોણ છે આ યાદીમાં ટોચ પર
બેંગ્લોરઃ IPL 2024 ની પ્રથમ મેચ CSK અને RCB વચ્ચે રમાઈ હતી. CSK એ 6 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં જાડેજાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે આઈપીએલમાં સિક્સરની સદી પૂરી કરી હતી. જો કે, જાડેજા સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીઓની યાદીમાં ઘણો નીચે છે.
રવેન્દ્ર જાડેજાએ આઈપીએલમાં અત્યાર સુધી રમાયેલી 227 મેચમાં 2717 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 100 સિક્સર અને 193 ફોર ફટકારી છે. જાડેજાનો IPLનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 62 રહ્યો છે. તેણે ગત સિઝનમાં 16 મેચમાં 9 સિક્સર ફટકારી હતી. જાડેજાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે બેટિંગ કરતા સિક્સરની સદી પૂરી કરી હતી. આ મેચમાં તેણે 17 બોલનો સામનો કર્યો અને અણનમ 25 રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન જાડેજાએ એક સિક્સર ફટકારી હતી.
IPLમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. તેણે 142 મેચમાં 357 સિક્સર ફટકારી છે. આ યાદીમાં રોહિત શર્મા બીજા નંબર પર છે. રોહિતે 243 મેચમાં 257 સિક્સર ફટકારી છે. એબી ડી વિલિયર્સ આ યાદીમાં ત્રીજા નંબર પર છે. તેણે 184 મેચમાં 251 સિક્સર ફટકારી છે. ચોથા નંબર પર મહેન્દ્ર સિંહ ધોની છે. ધોનીએ 251 મેચમાં 239 સિક્સર ફટકારી છે. વિરાટ કોહલી પાંચમા નંબર પર છે. કોહલીએ 238 મેચમાં 235 સિક્સર ફટકારી છે.