નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલની મેચ મંગળવારે રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાનનો પરાજય થયો હતો. જો કે, મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનના કેચ આઉટને લઈને વિવાદ થયો હતો. દરમિયાન રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને અમ્પાયરો સાથે દલીલ કરવી ભારે પડી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેના પર ભારે દંડ ફટકાર્યો છે. સેમસનને તેની મેચ ફીના 30 ટકા દંડ તરીકે બોર્ડને ચૂકવવા પડશે. દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં શાઈ હોપના હાથે કેચ આઉટ થયા બાદ તેણે અમ્પાયરો સાથે તકરાર કરી હતી. ટાર્ગેટનો પીછો કરી રહેલી રાજસ્થાન રોયલ્સની ઇનિંગ્સની 16મી ઓવરમાં સંજુને કેચ આઉટ આપવામાં આવ્યો હતો.
દિલ્હીના બોલર મુકેશ કુમારના બોલ પર સંજુ સેમસને જોરદાર શોટ માર્યો, બોલ સીધો સિક્સર માટે જઈ રહ્યો હતો પરંતુ બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહેલા શાઈ હોપે તેનો કેચ પકડ્યો હતા. આ દરમિયાન તે પોતાની જાતને બાઉન્ડ્રીને સ્પર્શતા બચાવતો જોવા મળ્યો હતો. એકદમ ક્લોઝ આટલું નજીકનું અફેર હોવા છતાં અમ્પાયરે સમય બગાડ્યા વિના આઉટ આપ્યો. સંજુ પણ ડગઆઉટ તરફ જવા લાગ્યો. આ દરમિયાન રિપ્લેમાં તેના કેચ આઉટનો વીડિયો સામે આવ્યો હતો, જેના પછી વિકેટકીપર બેટ્સમેન અમ્પાયર સાથે વાત કરવા આવ્યો હતો. આ મેચમાં રાજસ્થાનના કેપ્ટને 46 બોલમાં આઠ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 86 રન બનાવ્યા હતા.
IPL 2024ની 56મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 રનથી હરાવ્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા. અભિષેક પોરેલે સૌથી વધુ 65 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 201 રન જ બનાવી શકી હતી. કેપ્ટન સંજુ સેમસને 46 બોલમાં 86 રન બનાવ્યા હતા.