Site icon Revoi.in

IPL 2024: MIના કેપ્ટન હાર્દિકના સમર્થનમાં આવ્યો રોહિત શર્મા, દર્શકોને કરી ખાસ વિનંતી

Social Share

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર અને મુંબઈ ઈન્ડિયનના કેપ્ટન હાર્દિક પંડ્યાનો સમય હાલ ખરાબ ચાલી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયનના કેપ્ટન બન્યા બાદ હાર્દિક પંડ્યાને રોહિત શર્માના પ્રશંસકો પોતાના ગુસ્સાનો શિકાર બનાવી રહ્યાં છે. પંડ્યા જ્યાં પણ જાય છે ત્યાં હાલ તેની સાથે અયોગ્ય વર્તન (હુટિંગ) કરવામાં આવી રહ્યું છે. હાલ આઈપીએલ રમાઈ રહી છે અને સોમવારે મુંબઈની ટીમ પોતાના હોમગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે રમવા માટે મેદાનમાં ઉતરી હતી. મુંબઈની ટીમ વાનખેડેમાં રમી રહી હતી ત્યારે રોહિત શર્માના સમર્થકોએ હાર્દિકને ગુસ્સાનો શિકાર બનાવ્યો હતો. વાનખેડે સ્ટેડિયમમાં દર્શકોએ હાર્દિકની જોરદાર હૂટીંગ કરી હતી. મુંબઈ ઈન્ડિયનના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા આ હૂટીંગથી નારાજ જોવા મળ્યો હતો, તેમજ દર્શકોને આમ કરતા રોક્યાં હતા.

સોમવારે રમાયેલી રાજસ્થાન સામેની મેચમાં રોહિત શર્મા ડીપ ઉપર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. ત્યારે શર્માએ ઈશારો કરીને દર્શકોને શાંત રહેવા માટે કહ્યું હતું અને હાર્દિકની હૂટીંગ બંધ કરવા માટે વિનંતી કરી હતી. આ પહેલા ટોસના સમયે હાર્દિક પંડ્યાની જોરદાર હૂટીંગ થઈ હતી. તે સમયે પૂર્વ ક્રિકેટર સંજ્ય માંજરેકરએ દર્શકોને કહ્યું હતું કે, વ્યવહાર યોગ્ય રાખો. રોહિત શર્માએ સીધી રીતે દર્શકોને કંઈ કહ્યું નથી પરંતુ હીટમેનએ ઈશારો કરીને દર્શકોને હૂટીંગ કરવા વિનંતી કરી હતી. રોહિત શર્માનો દર્શકોને વિનંતી કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ સહિતના ક્રિકેટરોએ હાર્દિક પંડ્યા સાથે કેટલાક શખ્સો સાથે કરવામાં આવતા અયોગ્ય વર્તનનો વિરોધ કર્યો છે.