મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝનમાં તમામ ટીમો ટ્રોફી ઉપાડવા માટે અલગ-અલગ યોજનાઓ સાથે મેદાનમાં ઉતરશે. આ અંગે ઘણી ટીમોમાં ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ નવા કેપ્ટન સાથે નવી સિઝનમાં પ્રવેશ કરશે, બીજી તરફ લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) એ કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યો છે. ગૌતમ ગંભીરે લખનૌ છોડ્યા બાદ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લુઝનરને નવી જવાબદારી સોંપવામાં આવી છે.
લખનૌની ટીમે પૂર્વ દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર લાન્સ ક્લુઝનરને ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે તેના સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા છે. તેની સાથે મુખ્ય કોચ જસ્ટિન લેંગર અને સાથી સહાયક કોચ એસ. શ્રી રામ સાથે મળીને કામ કરશે.
વર્ષ 2022માં આઈપીએલમાં જોડાયા બાદ એલએસજી ટીમ બંને સિઝનમાં પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે. જો કે, ટીમ બંને પ્રસંગોએ એલિમિનેટરમાં બહાર થઈ ગઈ હતી. ક્લુઝનર એલએસજીની દક્ષિણ આફ્રિકાની ફ્રેન્ચાઇઝી ડરબન સુપરજાયન્ટ્સના મુખ્ય કોચ પણ છે. 52 વર્ષીય ભૂતપૂર્વ ખેલાડીએ દિલ્હી અને ત્રિપુરાની સ્થાનિક ટીમો માટે સલાહકાર કોચ તરીકે કામ કરવા સહિત વિશ્વભરની વિવિધ ટીમોને કોચિંગ આપ્યા છે.
આગામી દિવસોમાં આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઈને તમામ 10 ટીમો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે ખેલાડીઓ પણ નેટમાં પ્રેક્ટીસ કરીને પરસેવા પાડી રહ્યાં છે. આઈપીએસમાં ખેલાડીઓ સિક્સર અને ચોગ્ગાનો વરસાદ થશે. આઈપીએલને લઈને દર્શકો પણ ઉત્સાહથી રાહ જોઈ રહ્યાં છે.