IPL: અમદાવાદમાં પ્રથમ મેચને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, 3000 જવાનો રહેશે તૈનાત
અમદાવાદઃ આઈપીએલની ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા, હવે તેમની આતુરતાનો અંત આવી રહ્યો છે. 31મી માર્ચથી આઈપીએસ શરૂ થઈ રહી છે અને પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. આ મેચના બંદોબસ્તને લઈને પોલીસે એકશન પ્લાન તૈયાર કર્યો છે. સ્ટેડિયમ અને તેની આસપાસ ઉચ્ચ અધિકારીઓ સહિત 3 હજારથી વધારે પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. એટલું જ નહીં ખાનગી સિક્યુરિટી ગાર્ડ પણ ગોઠવવામાં આવ્યાં છે. સ્ટેડિયમમાં સીસીટીવી કેમેરા મારફતે પણ નજર રાખવામાં આવશે. મેચ જોવા આવતા દર્શકો માટે સ્ટેડિયમ સંકુલમાં પાર્કિંગથી લઈને તમામ સુવિધાઓને લઈને પોલીસ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. દર્શકોના પરિવહનને લઈને મેટ્રો, બીઆરટીએસ અને એએમટીએસ બસ સેવાઓને લઈને પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
DCP નીતા દેસાઈએ જણાવ્યું કે, સ્ટેડિયમમાં પ્રેક્ષકોને 3 વાગ્યે એન્ટ્રી આપવાની શરૂ કરી દેવામાં આવશે. બપોરે 2 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી રસ્તો બંધ કરી દેવામાં આવશે. લોકો સરળતાથી અવરજવર કરી શકે તે માટે BRTSની વધારાની 29 બસ તથા AMTSના રુટ પણ વધારવામાં આવ્યા છે. એટલું જ નહીં મેટ્રો પણ રાતે 2:30 વાગ્યા સુધી ચાલશે અને દર 8થી 10 મિનિટે મેટ્રો ટ્રેન આવશે. બપોરે 2 વાગ્યાથી જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહન ચાલકો માટે બંધ રહેશે. જેની જગ્યાએ વાહન ચાલકો જનપથથી વિસત ONGC થઈ તપોવન સર્કલ સુધી અવરજવર કરી શકશે. સ્ટેડિયમના પાર્કિંગથી સ્ટેડિયમ જવા માટે પ્રેક્ષકોને ના પડે તે માટે પાર્કિંગથી શટલ સર્વિસ આપવામાં આવશે. પાર્કિંગથી સ્ટેડિયમ નજીકના 1 અને 2 નંબરનાં ગેટ સુધી ફ્રીમાં ઇકો ગાડીમાં ઉતારવામાં આવશે. સ્ટેડિયમમાં સિનિયર સિટીઝન માટે ગોલ્ફ કાર પણ રાખવામાં આવી છે. આઈપીએલની પ્રથમ મેચની ટીકીટનું વેચામ શરૂ થયાના ગણતરીના કલાકોમાં જ વેચાઈ ગઈ હતી.