ઈરાક ઉપર ઈરાને બેલેસ્ટિક મિસાઈલોથી કર્યો હુમલો, ચારના મોત
નવી દિલ્હીઃ ઈરાને ઉત્તરી ઈરાક અને સીરિયામાં અનેક ટાર્ગેટ પર હુમલો કર્યો. ઈરાને કહ્યું કે તેણે આર્બિલમાં જાસૂસોના હેડક્વાર્ટર અને ઈરાન વિરોધી આતંકવાદી જૂથોના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. કુર્દિસ્તાન સરકારની સુરક્ષા પરિષદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈરાનના હુમલામાં ચાર નાગરિકો માર્યા ગયા હતા અને છ ઘાયલ થયા હતા. આ મિસાઈલો અમેરિકન કોન્સ્યુલેટ પાસે પડી હતી. એક અમેરિકી સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે આ હુમલામાં અમેરિકી સુવિધાઓને કોઈ અસર થઈ નથી.
એક ઈરાકી અધિકારીએ જણાવ્યું કે અરબીલ પર અનેક બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી છે. ઈરાન સમર્થિત ઈરાકી મિલિશિયાના એક અધિકારીએ જણાવ્યું કે 10 મિસાઈલો યુએસ કોન્સ્યુલેટ નજીકના વિસ્તારમાં પડી હતી. તેમણે કહ્યું કે આ મિસાઈલો ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા લોન્ચ કરવામાં આવી છે.
ઇસ્લામિક સ્ટેટ જૂથે આ મહિનાની શરૂઆતમાં ઇરાની જનરલની સ્મૃતિમાં બે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોની જવાબદારી લીધી હતી. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમ રિવોલ્યુશનરી ગાર્ડ જનરલ કાસિમ સુલેમાનીના સન્માનમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં 84 લોકો માર્યા ગયા હતા અને 284 લોકો ઘાયલ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક વર્ષથી વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. એટલું જ નહીં ઈઝરાયલ અને આતંકવાદી સંગઠન વચ્ચે પણ છેલ્લા ત્રણેક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 22 હજારથી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. હવે ઈરાને ઈરાક ઉપર હુમલા કરતા યુદ્ધનો નવો મોરચો ખોલાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.