ઈરાને પાકિસ્તાનમાં કરી મોટી કાર્યવાહી, જૈશ-અલ-અદલના ચીફ સહીત કેટલાક આતંકીઓનો કર્યો ખાત્મો
તહેરાન: ઈરાન અને પાકિસ્તાન વચ્ચે વિવાદ વધ્યો છે. ઈરાનના સૈન્ય દળોએ પાકિસ્તાની ક્ષેત્રમાં આતંકવાદી જૂથ જૈશ-અલ-અદલના કમાન્ડર ઈસ્માઈલ શાહ બક્સ અને તેના કેટલાક સાથીદારોને ઠાર કર્યા છે. ન્યૂઝ ચેનલ ઈરાન ઈન્ટરનેશનલ ઈંગ્લિશે શનિવારે આનો દાવો કર્યો હતો.
ઈરાન અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં ઘણો તણાવ છે. ઈરાને એક માસ પહેલા પણ પાકિસ્તાની સીમામાં ઘૂસીને જૈશ-અલ-અદલના ઠેકાણાઓ પર કાર્યવાહી કરી હતી. તેના પછી પાકિસ્તાની સુન્ની કટ્ટરપંથી સંગઠને પણ ઈરાની એરસ્પેસ પર એરસ્ટ્રાઈક કરી હતી. જૈશ-અલ- અદલ સુન્ની કટ્ટરપંથી સંગઠન છે અને તેની રચના 2012માં થઈ હતી. ઈરાન તેને આતંકવાદી જૂથ માને છે. જૈશ અલ અદલ બલૂચિસ્તાનથી સંચાલિત થાય છે અને તેણે ઈરાની સુરક્ષાદળો પર ઘણાં હવાઈ હુમલા પણ કર્યા છે.
ઈરાને એક માસ પહેલા 16 જાન્યુઆરીની મોડી રાત્રે પાકિસ્તાની સીમામાં મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા હતા. ઈરાને આ હુમલામાં જૈશ અલ અદલના 2 ઠેકાણાઓને નષ્ટ કરવાનો દાવો કર્યો હતો. તેના પછી પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે ઈરાની હુમલામાં બે બાળકોના મોત નીપજ્યા અને ત્રણ યુવતીઓ ઘાયલ થઈ હતી. બંને દેશોની વચ્ચે વિવાદ એટલો વધ્યો કે પાકિસ્તાને 17 જાન્યુઆરીએ ઈરાનથી પોતાના રાજદૂતને પાછા બોલાવ્યા હતા. પાકિસ્તાને એમ પણ કહ્યું હતું કે તે ઈરાની રાજદૂતને પોતાના દેશમાં પાછા ફરવાની મંજૂરી પણ નહીં આપે.
તેના પછી 18 જાન્યુઆરીએ પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાની સેનાએ ઈરાનની સીમામાં હવાઈ હુમલો કર્યો હતો. પુાકિસ્તાને કહ્યુ હતુ કે તેણે બલૂચિસ્તાન લિબરેશન આર્મી અને બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. બાદમાં બંને દેશોની વચ્ચે રાજદૂત સ્તરની બેઠક થઈ હતી અને તણાવને ઘટાડવા માટે સંમતિ સધાઈ હતી.
ઈરાન અને પાકિસ્તાન વચ્ચે સમજૂતીની ઘોષણા પાકિસ્તાનની કેરટેકર સરકારના તત્કાલિન વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની અને ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર અબ્દુલ્લાહિયને પાકિસ્તાન વિદેશ કાર્યાલયની એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. અબ્બાસ જિલાનીએ કહ્યુ હતુ કે ઈરાન અને પાકિસ્તાને ગેરસમજને ઘણી જલ્દી ઉકેલી નાખી. બંને દેશ આતંકવાદ સામે લડવા અને એકબીજાની ચિંતાને દૂર કરવા પર સંમત પણ થયા.