આણંદ: ઈન્સ્ટીટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (ઈરમા) નો ૪૩મો પદવિદાન સમારોહ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને એનડીડીબી, આણંદના ટી.કે.પટેલ ઓડિટોરીયમ ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ઈરમાના વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૩૦૩ વિદ્યાર્થીઓને પદવી તથા ૦૨ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા.
ઈરમાના પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, અથાગ પરિશ્રમ અને આપના માતાપિતાના આશિષથી પ્રાપ્ત થયેલ આ ડિગ્રી દ્વારા આપના ક્ષેત્રમાં ઉત્તમ કાર્યો કરી રાષ્ટ્રની સેવા અને રાષ્ટ્રનિર્માણના કાર્ય કરવા હવે આપ તૈયાર થયા છો. વિદ્યાર્થીઓને તેમના જીવનમાં સિદ્ધાંતો અને મૂલ્યોને પ્રાધાન્ય આપીને માત્ર વ્યક્તિગત સફળતા નહી પરંતુ એક આખા સમૂહની સફળતાને ધ્યાનમાં રાખીને કાર્ય કરશો તો ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ મેળવી શક્શો તેમ પણ જણાવ્યુ હતું.
તેમણે ગ્રામીણ વિકાસમાં ઈરમાના વિદ્યાર્થીઓની ભૂમિકા સમજાવતાં કહ્યું કે, દેશના ગ્રામીણ ક્ષેત્રના નાગરિકોના વિકાસ, સુપોષણ અને સ્થિર રોજગારને સુનિશ્ચિત કરવા ઈરમા એ જે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે તેમાં જોડાઈને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનું દાયિત્વ આપ સૌ યુવાઓનું છે. ૪૫ વર્ષથી દેશમાં ઈરમાએ ગ્રામિણ ક્ષેત્રના વિકાસ માટે સંચાલકો તૈયાર કરવાનું ઉત્કૃષ્ઠ કાર્ય કર્યુ છે. આજે નવીન અને ક્રિયાત્મક વિચારધારા સાથે સમસ્યાના ઉકેલ શોધીને દેશના ગ્રામિણક્ષેત્રને વિકાસના પથ પર લાવી શકાયું છે તેમાં ઈરમાનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે.
વૈંકૈયા નાયડુએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે ચારિત્ર્યવાન, સહકારભાવ અને સિદ્ધાંતો સાથે કાર્ય કરનાર યુવા પેઢી જ મજબૂત અને સશક્ત રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ કરે છે. તેમણે વિદ્યાર્થીઓને કમિશન માટે નહીં પણ દેશસેવાના મિશન સાથે કાર્ય કરવા જણાવ્યુ હતું. તેમણે વિદ્યાર્થીઓને નવી ફેશન ને અનુસરવા કરતા પોતાની અંદર રહેલા સેવાકિય વિચારોના પેશન (જુસ્સા)ને અનુસરવા જણાવ્યુ હતું. તેમણે મહાત્મા ગાંધીના અન્યોને સહાયરૂપ થવા અને અન્યોની સેવા કરવાના વિચારથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના સુત્રને અપનાવી સંપોષિત વિકાસની વિચારધારાને આગળ વધારવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને પ્રમાણિકતા, ઈમાનદારી, પારદર્શિકતા અને શિસ્તબદ્ધતા જેવા મૂલ્યોને જીવનમાં હંમેશા પાલન કરવાની સલાહ આપી હતી.
વૈંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે દેશના વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તો વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. માતૃભાષામાં શિક્ષણ મળવાથી વિદ્યાર્થી પોતાની રચનાત્મકતા અને બુદ્ધિમતાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે. આજનો વિદ્યાર્થીને જો પોતાની સંસ્કૃતિ અને ભાષાનું પૂરતું જ્ઞાન હોય તો એ ભારતના ભવિષ્યમાં ખૂબજ અગત્યની ભૂમિકા ભજવી શકે છે. આ માટે તેને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળવું ખૂબ જરૂરી છે. માતૃભાષા અને સંસ્કૃતિ અને વિદ્યાર્થીના વ્યક્તિત્વ વિકાસમાં તથા બાળકના કેરેક્ટર અને કેલિબર જેવા ગુણોને સિંચન કરી તેને ઉત્તમ નાગરિક બનાવવાનુ કાર્ય કરે છે. વર્તમાન રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, ભૂતપુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ માતૃભાષામાં શિક્ષણ લઈને ઉપલબ્ધીઓ હાંસલ કરી છે.
આ પ્રસંગે ઈરમાના ડાયરેક્ટર ડૉ. ઉમાકાંત દાસે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં અને જણાવ્યું કે આ વર્ષે ઈરમામાં વિદ્યાર્થીને રેકોર્ડ સી.ટી.સી પેકેજ આપવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે ઈરમા એ તમિલનાડુ અને ઓરિસ્સાની રાજ્ય સરકારો સાથે તથા એચડીએફસી બેંક જેવા કોર્પોરેટ સાથે એમઓયુ સાઈન કર્યા છે. આત્મનિર્ભર ભારત, મેક ઈન ઈન્ડીયા, હરિક્રાંતિ ૨.૦ જેવા અભિયાનને અનુલક્ષીને ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે મેનેજર તૈયાર કરવાનું કાર્ય ઈરમા અવિરતપણે કરી રહ્યુ છે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુએ પદવિદાન સમારોહ પૂર્વે ઈરમાના કેમ્પસમાં નવનિર્મિત હોસ્ટેલ ક્યુ બ્લોકનું ઉદ્દ્ઘાટન કર્યુ હતુ અને ત્યારબાદ ઈરમા કેમ્પસની મુલાકાત લઈ તેમણે એંનડીડીબીના કેમ્પસમાં સ્થિત પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને ટી.કે. પટેલ ઓડિટોરિયમમા સ્થિત ત્રિભુવનદાસ પટેલની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પદવીદાન સમારોહમાં ઈરમાના સભ્યઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા.