મુંબઈઃ મહારાષ્ટ્રના પૂણેમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. એક મોલના નિર્માણ કાર્ય દરમિયાન લોખંડનો સ્લેબ ધરાશાયી થતા પાંચ શ્રમજીવીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે બે વ્યક્તિઓની હાલ ગંભીર છે. દૂર્ઘટના બની ત્યારે સાતના મોતની આશંકાઓ વ્યક્ત થઈ હતી. આ દૂર્ઘટનામાં અનેક શ્રમજીવીઓને ઈજા થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દૂર્ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ ટ્વીટ કરીને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ દૂર્ઘટના યેરવડા વિસ્તારમાં શાસ્ત્રી વાડિયા બંગલા નજીક સર્જાયો હતો. અહીં એક મોલ બનાવવામાં આવી રહ્યો છે. જેના બેઝમેન્ટમાં લોખંડનો સ્લેબ ધરાશાયી થયો હતો.
પૂણેના ડીએસપી રોહિદાસ પવારએ જણાવ્યું હતું કે, બાંધકામ દરમિયાન જે સાવધાની રાખવી જોઈતી હતી તે રાખવામાં આવી ન હતી. ટ્રાફિક પોલીસ કમિશનર રાહુલ શ્રીરામે જણાવ્યું હતું કે, ઈમારતમાં મોડી રાત સુધી કામ ચાલતું હતું. દરમિયાન લોખંડનો ભારે સ્લેબ ધરાશાયી થયો હતો. આ દૂર્ઘટના બની ત્યારે લગભગ 10 જેટલા શ્રમજીવીઓ કામ કરતા હતા. સ્થાનિક ધારાસભ્ય સુનીલ ટાંગરેએ જણાવ્યું હતું કે, આ સાઈટ ઉપર સતત 24 કલાક કામ ચાલતુ હોવાનું જાણવા મળ્યું છે. જેથી શ્રમજીવીઓ કેટલા સમયથી કામ કરતા હતા તે જાણી શકાયું નથી. પરંતુ તેઓ થાકેલા હશે અને ત્યારે આ દૂર્ઘટના બની હશે.
પૂણેમાં મોલની નિર્માણ દરમિયાન સ્લેબ ધરાશાયી થવાની ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે તપાસ આરંભી છે. તેમજ આ બનાવ કેવી રીતે બન્યો તે જાણવા કવાયત શરૂ કરી છે.