Site icon Revoi.in

ગાંધીનગર સચિવાલયમાં બાયો મેટ્રિક્સ બંધ હોવાથી કર્મચારીઓ સમયસર આવતા નથી

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરની સરકારી કચેરીઓમાં કર્મચારીઓ મોડા આવતા હોવાની ફરિયાદો સમયાંતરે ઊઠતી હોય છે. કર્મચારીઓ સમયસર નોકરી પર આવે તે માટે કચેરીઓમાં બાયો મેટ્રીક પધ્ધતી અમલમાંમુકવામાં આવી છે. પણ કર્મચારીઓની હાજરી માટેની બાયોમેટ્રિક્સ સિસ્ટમ એક વર્ષ કરતાં પણ વધુ સમયથી બંધ હોવાને કારણે કર્મચારીઓની ગુલ્લીનું પ્રમાણ વધતું જાય છે. અનિયમિતતા સામે અગાઉ નાણાં વિભાગે તાકીદ કર્યા બાદ હવે પંચાયત વિભાગ પણ હરકતમાં આવ્યો છે અને વિભાગ હસ્તકના ત્રણ ખાતાના વડાની કચેરીમાં બાયો મેટ્રિક્સ હાજરી સિસ્ટમ ફરી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરની સરકારી કચેરીમાં માત્ર કર્મચારીઓ જ નહીં પણ અધિકારીઓ પણ સમયસર આવતા નથી. તેના લીધે સરકારી કામ અર્થે બહારગામથી આવેલા લોકોને મુશ્કેલી પડી રહી છે. પંચાયત વિભાગ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ ધ્યાને આવતા વિકાસ કમિશનર કચેરી, પંચાયત સેવા પસંદગી બોર્ડ તથા ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની કચેરીમાં કર્મચારીઓ નિયમિત રહે તે માટે બાયોમેટ્રિક્સ પદ્ધતિથી હાજરી લેવાની સૂચના અપાઈ છે. કચેરી સમયના 10 મિનિટ બાદ આવનારા અથવા વહેલા જનારા કર્મચારીઓ સતત ત્રીજી વખત ધ્યાને આવે તો તે દિવસની અડધી રજા કાપવા પણ તાકીદ કરાઈ છે. અનિયમિત રહેનારા કર્મચારીઓ સામે કાર્યવાહીના પણ આદેશ અપાયા છે.