રાજ્યમાં શિક્ષકોની અનિયમિતતા, બે હજાર શિક્ષકોએ 90 દિવસમાં માત્ર દોઢ મહિનો જ હાજરી આપી
અમદાવાદઃ રાજ્યમાં શિક્ષકોની શાળાઓમાં હાજરી માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ઓનલાઈન હાજરી લેવામાં આવે છે. જેમાં ત્રણ મહિનામાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ગેરહાજરી અને અનિયમિતતા જોવા મળી હતી. આથી શાળાઓમાં સતત અનિયમિત કે ગેરહાજર રહેતા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓમાંથી વિગતો મંગાવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શિક્ષકોની ઓનલાઈન હાજરીની સમીક્ષા કરાતા શિક્ષકોની ભારે અનિયમિતતા સામે આવી છે. કેન્દ્ર દ્વારા ઓનલાઈન લેવામાં આવતી હાજરીમાં જાણવા મળ્યું છે કે, શાળાઓમાં શિક્ષકો ગેરહાજર રહે છે, ઘણાબધા શિક્ષકો શાળાઓમાં નિયમિત આવતા નથી. રાજ્યમાં ફેબ્રુઆરી, 2022થી રાજ્યમાં પ્રત્યક્ષ શિક્ષણ શરુ થયા પછી પાછલા 3 મહિનામાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ગેરહાજરી નોંધાઈ હતી. શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓમાંથી આ પ્રકારની અનિયમિતતા દર્શાવતા શિક્ષકોની વિગતો મંગાવવામાં આવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના 2000 જેટલા શિક્ષકોએ 3 મહિનામાં દોઢ મહિના જેટલો જ સમય ફરજ પર હાજરી આપી છે. બાકીનો દોઢ મહિનો તેઓ ગેરહાજર રહ્યા હોવાની ચોંકાવનારી જાણકારી મળી રહી છે. આ પ્રકારે લાલિયાવાડી કરતા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવા માટે તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લાઓમાથી 10 જ દિવસમાં આ પ્રકારના શિક્ષકોની વિગતો મંગાવવામાં આવી છે, ત્યારપછી વધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી લેવામાં આવે છે, જેમાં ભારે અનિયમિતતા જોવા મળી છે. તંત્ર દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી છે અને ગુલ્લી મારનારા શિક્ષકોની માહિતી એકઠી કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જે શિક્ષકો સતત ગેરહાજર રહેતા હશે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષકોએ ત્રણ મહિનામાં માત્ર 50 ટકા જેટલા દિવસોએ જ હાજરી આપી છે તે એક ચિંતાજનક અને ચોંકાવનારી બાબત છે. આટલુ જ નહીં, 200 જેટલા શિક્ષકો એવા પણ છે જેમણે ફરજના 71 દિવસ પૈકી માત્ર 3-4 દિવસ જ કામ કર્યું છે. એટલુ જ નહીં, એક પણ દિવસ હાજર ન રહ્યા હોય તેવા શિક્ષકોની માહિતી મળી છે. નિયામક કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ એમ કુલ 3 મહિનામાં 80 ટકા કરતા વધુ ગેરહાજર રહેનારા બાળકોની, 50 ટકા કરતા વધારે ગેરહાજર શિક્ષકો, 15 દિવસથી વધારે ઓન ડ્યુટી શાળાથી બહાર રહેલા શિક્ષકો અને 15 દિવસથી વધારે ટ્રેનિંગ માટે શાળાથી બહાર રહેલા શિક્ષકોની માહિતી માંગવામાં આવી છે. આ પ્રકારની અનિયમિતતાઓને કારણે બાળકના અભ્યાસ પર માઠી અસર પડે છે.