ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં નર્મદા વિભાગની અંદાજપત્રીય માંગણી પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વતી જવાબ આપતાં મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં પ્રશાખા નહેરો થકી 17.03 લાખ હેક્ટર તથા પ્રપ્રશાખા નહેરો દ્વારા 15.45 લાખ હેક્ટર મળી કુલ 32.48 લાખ હેક્ટર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયો છે. જ્યારે માર્ચ-2023 પછી બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો વર્ષ 2023-24 દરમિયાન ચાલુ રાખવાનુ આયોજન છે, જે માટે આગામી નાણાંકીય વર્ષ 2023-24માં રૂ. 3734 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રીએ ગૃહમાં કહ્યું હતું કે, નયા ભારતના નિર્માણમાં ગુજરાત દેશના વિકાસ ક્ષેત્રે સારથી બન્યું છે. રાજ્યનું આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર, પાણીદાર ગુજરાતનું સુદ્રઢ માળખું, માળખાકીય સવલતો, ઉદ્યોગક્ષેત્ર તેમજ પરિવહન સેવાઓનું વ્યવસ્થાપન આજે ગુજરાતના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાની સાથે દેશના અન્ય રાજ્યો માટે પણ મોડલ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ વાળી ડબલ એન્જિનની સરકારનું આઝાદીના અમૃતકાળમાં વર્ષ 2023-24નું બજેટ પણ ગુજરાતના આવનારા પાંચ વર્ષના વિકાસનો રોડમેપ નક્કી કરનારું છે.
મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્ય બંધના આનુષાંગિક કામો, પુન: વસન તથા પર્યાવરણીય કામગીરી માટે રૂ. 124.52 કરોડ, પાવર હાઉસોની જાળવણી પેટે રૂ. 102.62 કરોડ અને કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પંપીંગ સ્ટેશનના વિસ્તરણની કામગીરી તથા જાળવણી અને સંચાલન માટે રૂ 675.00 કરોડ, નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રક્ચર તથા કેનાલ ઓટોમેશનની તેમજ જાળવણીની કામગીરી માટે રૂ 177.54 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર માટે રૂ.627.00 કરોડ, ઉત્તર ગુજરાત માટે રૂ. 736.00 કરોડ, કચ્છ માટે રૂ 1082.00 કરોડ તથા મધ્ય ગુજરાત વિસ્તાર માટે રૂ. 838.00 કરોડ એમ નહેરોના બાંધકામ માટે કુલ રૂ. 3283 કરોડની જોગવાઇ કરાઈ છે.
જ્યારે વિવિધ શાખા નહેરો તથા ગરૂડેશ્વર વિયર પર નાના વીજ મથકોના સ્થાપના માટે તથા વિવિધ શાખા નહેરો પર સ્થાપિત થયેલા વીજ મથકોની જાળવણી અને મરામત માટે રૂ. 50.00 કરોડ ફાળવવામાં આવ્યાં છે. નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈના પાણીના કાર્યક્ષમ ઉપયોગ થકી મહત્તમ પાક ઉત્પાદન મળે તે હેતુથી નિગમના કૃષિ એકમ દ્વારા તાલીમ, નિદર્શન, ખેડૂત શિબિર, જમીન તંદુરસ્તીની ચકાસણી વગેરે કૃષિલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવા માટે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે નવી બાબત તરીકે રૂ. 100 કરોડની જોગવાઈ થકી અંદાજે એક લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
નર્મદા યોજનાની કામગીરી પૂર્ણતાના આરે છે તેમ જણાવતાં મંત્રીએ કહ્યું હતું કે, નર્મદા મુખ્ય નહેર શરૂઆતમાં 1133 ઘનમીટર પ્રતિ સેકન્ડની વહનક્ષમતા ધરાવનારી458 કિ.મી. લાંબી છે જે એક મોટી નદી જેટલી છે તેનું કામ લગભગ 10 વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. લગભગ 69,000 કિ.મી. લાંબુ નહેરોનું માળખું જે 17.92 લાખ વિસ્તારને સિંચાઈનો લાભ આપશે તે માત્ર 20 વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. લગભગ રૂ. 79,000 કરોડના ખર્ચે આ યોજના વર્ષ 2025માં પૂર્ણ થવા જઈ રહી છે. વડાપ્રધાનએ તા.28-08-22 ના રોજ કચ્છ શાખા નહેરનું લોકાર્પણ કરીને નર્મદા ડેમથી આશરે 742 કિ.મી દૂર માંડવી તાલુકાના મોડકુબા ગામ પાસે નર્મદાના પાણી પહોંચાડ્યા છે. બનાસકાંઠા જિલ્લાના 22 ગામોના 13,884 હેકટર વિસ્તાર માટે આશરે 4,000 ખેડૂતોને લાભ આપવા નવીન સિંચાઈ વ્યવસ્થા ઉભી કરવા માટે રૂ.103 કરોડની યોજના સરકારે મંજૂર કરી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.