Site icon Revoi.in

સિંચાઈ વિભાગે વડોદરા મ્યુનિ.કોર્પોરેશનને ફટકાર્યું રૂપિયા 4568 કરોડનું પાણીનું બાકી બિલ

Social Share

વડોદરાઃ શહેરના મ્યુનિ. કોર્પોરેશનને સિંચાઈ વિભાગે મહીસાગર નદીમાંથી લેવામાં આવતાં પાણીનું 4568 કરોડનું તોતિંગ બિલ ફટકારતા અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે.  સિંચાઈ વિભાગ અને વડોદરા મ્યુનિ. કોર્પોરેશન પાણીના તોતિંગ બિલને લઇ સામસામે આવી ગયા છે, મ્યુનિના સત્તાધિશો વર્ષોથી મહિસાગર નદીમાંથી પાણી મેળવે છે અને બિલ ચૂકવવામાં આવતું નથી. દર વર્ષે બાકી બિલ ઉપરાંત પેનલ્ટી, વ્યાજ અને દંડની રકમ વધતી જાય છે. હવે સ્થિતિ એવી સર્જાઈ છે, કે મ્યુનિના બજેટના કદ કરતા પણ બિલની રકમ ખૂબજ વધુ છે.  મ્યુનિના ભાજપના પદાધિકારીઓ મસમોટા બિલને લીધે મુખ્યમંત્રીને રજુઆચત કરવા માટે જશે.

વડોદરાના આજવા સરોવર સિવાય મહીસાગર નદીમાંથી શહેરીજનોને આપવા માટેનું પાણી મ્યુનિ. કોર્પોરેશનને રાજ્ય સરકાર પાસેથી ખરીદવું પડે છે. પાનમ યોજના અંતર્ગત મહીસાગર નદીમાંથી લેવાતા પાણીનું રૂા. 4,568 કરોડનું બિલ સિંચાઈ વિભાગે મ્યુનિ. કોર્પોરેશનને આપ્યું છે. જેને લઇ અધિકારી અને શાસકો નારાજ થયા છે. મ્યુનિ. દ્વારા એકમાત્ર પોતાના સ્રોત આજવા સરોવરમાંથી રોજ 150 MLD પાણી મેળવવામાં આવે છે. જેનાથી પૂર્વ વિસ્તારના 8 લાખ લોકોને પાણી આપવામાં આવી રહ્યું છે. જ્યારે મહીસાગર નદીમાંથી અલગ-અલગ ફ્રેન્ચવેલ મારફતે 388થી 400 MLDની પાણી બાકીની વસતીને પુરૂ પાડવામાં આવે છે.  મહીસાગરમાંથી પાણી લેવા માટે રાજ્ય સરકારની પાનમ યોજના હેઠળ 1971માં કરાર થયા હતા. જેમાં પાનમ વોટર પ્રોજેક્ટ અંતર્ગત ફાજલપુર, રાયકા, દોડકા અને પોઈચા કુવામાથી મ્યુનિ. કોર્પોરેશન રોજ 200 થી 250 MLD પીવાનું પાણી અંદાજિત 40 ટકા વસ્તીમાં વિતરણ કરે છે. જોકે સિંચાઈ વિભાગે એક તરફી રીતે આ ભાગીદારી વર્ષ 1998ની અસરથી રદ કરી દીધી હતી. વર્ષ 1998માં સિંચાઈ વિભાગ સાથે નક્કી થયા મુજબ વર્ષ 2004-05 સુધી કરાર મુજબનાં બિલો આપ્યા બાદ વર્ષ 2007માં 1997-98થી બાકી બિલોનું ચૂકવણું કરવા સિંચાઈ વિભાગે માંગ શરૂ કરી હતી. સિંચાઈ વિભાગે વ્યાજ અને દંડ સહિત રૂા. 4,568.80 કરોડના બિલનું ચુકવણું કરવા સપ્ટેમ્બર- 2024માં બિલ ફટકાર્યું છે, જેને લઇ વિવાદ શરૂ થયો છે. વડોદરા મ્યુનિના સ્થાયી સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ કહ્યું હતું કે, સિંચાઈ વિભાગે અમને બિલ આપ્યું છે, એના નિરાકરણ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ ભેગા થઈ મુખ્યમંત્રી, ચીફ સેક્રેટરીને રજૂઆત કરીશું.

સૂત્રોના કહેવા મુજબ સિંચાઈ વિભાગે માર્ચ 2005માં આપેલા બિલનો સંદર્ભ લેતા મ્યુનિએ કેપિટલ કોસ્ટ રૂપે 3.83 કરોડ તથા ઓપરેશન અને મેન્ટેનન્સ રૂપે 5.23 કરોડની ભરપાઈ કરી છે. આ જ ગણતરી મુજબ વર્ષ 2005થી 2023 સુધી કુલ 11.05 કરોડનું ચૂકવણું પણ કર્યું છે. પરંતુ 1998થી ભાગીદારી રદ થયા બાદ વ્યાજ અને દંડ સહિત રૂ. 4,586 કરોડનું બિલ આપતાં મ્યુનિને માથે દેવું ઉભું થયું છે. જેને લઇ મ્યુનિના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે શાસકો અને ભાજપ સરકારને આડે હાથ લીધી છે. રાજ્ય સરકાર મ્યુનિ. કોર્પોરેશનને પાણીનું બિલ કઈ રીતે આપી શકે તેવો સવાલ કર્યો છે. તેમજ વડોદરાના તમામ ધારાસભ્યો મુખ્યમંત્રીને રજૂઆત કરી બિલ રદ કરાવે તેવી માંગ કરી છે.