પાણીના અભાવ વાળા વિસ્તારોમાં પણ સિંચાઇનું પાણી પહોંચ્યું: જળસંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલ
અમદાવાદઃ કાકરાપાર યોજના થકી સુરત જિલ્લામાં પાણીના અભાવ વાળા વિસ્તારોમાં પણ સિંચાઇનું પાણી પહોંચ્યું છે. આ યોજનાની મદદથી વધુને વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે હેતુથી નહેરોના નહેર સુધારણાના કામો મંજૂર કરવામાં આવ્યાં છે.
છેલ્લાં 2 વર્ષમાં નહેર સુધારણાના કુલ રૂ. 5243.01 લાખના કામો મંજૂર કરવામાં આવ્યા છે. નહેર સુધારણાના મંજૂર થયેલા તમામ કામો જૂન 2024 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે, તેમ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જળસંપત્તિ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.
નહેર સુધારણાના કામો થવાથી સુરત જિલ્લામાં 16,096 હેકટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. ખેડૂતો પહેલા 3000 હેકટરમાં ડાંગરની ખેતી કરતા હતા. કાકરાપાર નહેરની કેપેસિટીમાં 3,650 ક્યુસેક જેટલો વધારો થવાથી ખેડૂતો 18,000 હેકટર વિસ્તારમાં ડાંગરની ખેતી કરી રહ્યાં છે. જેના કારણે ખેડૂતો આજે 200 કરોડનું ડાંગર પકવી રહ્યાં છે તેમ પણ રાજ્યમંત્રીએ પુરક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું.