Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં આગોતરા પાકને બચાવવા નર્મદા કેનાલ દ્વારા સિચાઈનું પાણી અપાશે,

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથક સુક્કો અને વેરાન ગણાતો હતો. પણ કેટલાક વર્ષોથી નર્મદા કેનાલનો લાભ મળતા જિલ્લો હરિયાળો બનતો જાય છે. નર્મદા યોજનાને કારણે કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે. જિલ્લાના મહેનતુ ખેડુતો હવે ત્રણે ય સીઝનમાં પાક લઈ રહ્યા છે. હાલ ચોમાસાની સીઝનના પ્રારંભ પહેલા જ ઘણાબધા ખેડુતોએ આગોતરૂ વાવેતર કરી દીધુ છે. ત્યારે સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થતાં કેનાલમાં પાણી છોડવાની માગ ઊઠી હતી. દરમિયાન જિલ્લાના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને કેનાલમાં પાણી છોડવાની માગ કરતા મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ દાખવીને પાણી છોડવાનો નિર્ણય લીધો છે.

સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ખેડુતોએ કેનાલમાં પાણી છોડવા માટે સ્થાનિક ધારાસભ્યો સમક્ષ માગણી કરી હતી. આથી ધારાસભ્યોએ મુખ્યમંત્રીને મળીને રજુઆત કરી હતી. અને મુખ્યમંત્રીએ રાજ્યમાં જે વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની જરૂરિયાત હોય ત્યાં પાણી છોડવાની સુચના આપી હતી, ગુજરાત રાજ્યમાં હજુ વરસાદનું આગમન થયું નથી, ત્યારે આગોતરા પાક માટે પિયતની જરૂરિયાત ઉભી થઈ હોય રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સોમવારે દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે.પરમાર, ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગાંધીનગર રૂબરૂ મળીને ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા અંગે રજૂઆત કરી હતી.ત્યારે તમામ માંગણીઓ અને વપરાશની સ્થિતિને ધ્યાને લઈને નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે આજે 10 જૂનથી 10 હજાર ક્યુસેક પાણી નર્મદા નહેરોમાં આપવાની મંજૂરી આપવામાં આવી છે. આથી ઝાલાવાડના ખેડૂતોમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી.