પાકિસ્તાનમાં દેશના દુશ્મનોને મોતને ઘાટ ઉતારી રહ્યું છે ભારત? બ્રિટિશ અખબારનો રૉ, મોસાદના નક્શેકદમ હોવાનો દાવો
નવી દિલ્હી: ગત કેટલાક વર્ષોથી પાકિસ્તાનમાં છૂપાયને બેઠેલા ભારતના દુશ્મનોને અજ્ઞાત હુમલાખોરો મોતને ઘાટ ઉતારી રહ્યા છે. બ્રિટિશ અખબાર ગાર્ડિયને પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે આના પાછળ ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસિ વિંગ એટલે કે રૉનો હાથ છે. કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રિપોર્ટ કરનારી રૉ તેમના ઈશારે જ પાકિસ્તાનમાં આતંકવાદીઓ અને ભાગલાવાદીઓની હત્યા કરાવી રહી છે. હવે આના પર ભારતે પણ જવાબ આપ્યો છે.
ગાર્ડિયનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પાકિસ્તાનમાં થઈ રહેલી હત્યાઓને લઈને સવાલ થયો તો ભારતીય વિદેશ મંત્રાલય તરફથી તમામ આરોપોને રદિયો આપવામાં આવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાડોશી દેશમાં થઈ રહેલી હત્યાઓમાં ભારતની ભૂમિકા હોવાની વાત ખોટી છે. આ મામલામાં દુર્ભાવનાપૂર્ણ ભારત વિરોધી પ્રોપેગેન્ડા ફેલાવાય રહ્યો છે. મંત્રાલયે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર દ્વારા આપવામાં આવેલા નિવેદનનો પુનરોચ્ચાર કર્યો છે કે અન્ય દેશમાં ટાર્ગેટ કિલિંગ ભારત સરકારની પોલિસી નથી.
પાકિસ્તાનની બે ઈન્ટેલિજન્સ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યુ છેકે 2020થી તેમના દેશમાં થયેલી લગભગ 20 જેટલી હત્યાઓમાં ભારતની ભૂમિકા છે. તેમનું કહેવું છે કે સાત મામલાની તપાસ કરવામાં આવી છે, જેમાં મળેલા પુરાવા એ વાતની તરફ ઈશારો કરી રહ્યા છે કે ભારતીય જાસૂસોએ પાકિસ્તાની જમીન પર ટાર્ગેટ કિલિંગ કર્યું છે. તેમનો દાવો છે કે 2023માં હત્યાઓની સંખ્યા સૌથી વધારે રહી છે. મોટાભાગના લોકોની હત્યા અજ્ઞાત શખ્સ દ્વારા નજીકથી ગોળી મારીને થઈ છે.
પાકિસ્તાની તપાસ અધિકારીઓ પ્રમાણે, આ મોત વધારે યુનાઈટેડ આરબ અમિરાતથી ઓપરેટ થનારા ભારતીય ગુપ્તચર સ્લીપર સેલ દ્વારા કરવામાં આવી છે. 2023માં વધેલી હત્યાઓની સંખ્યાનું કારણ સ્લીપર સેલના એક્ટિવ હોવાનું રહ્યું છે. આ સ્લીપર સેલ્સે પોતાના દુશ્મનોને ખતમ કરવા માટે પાકિસ્તાની અપરાધીઓને લાખો રૂપિયા આપ્યા. દાવો કરાયો છે કે એજન્ટ્સે જેહાદીઓને પણ ભરતી કર્યા, જેમને એ વિશ્વાસ દેવડાવાયો કે તેઓ કાફિરોની હત્યા કરી રહ્યા છે.
રિપોર્ટમાં આરોપ લગાવાયો છે કે ભારતીય એજન્ટ્સ માત્ર પાકિસ્તાનમાં આતંકવાદીઓને જ ઠેકાણે લગાવી રહ્યા નથી. પરંતુ વિદેશોમાં ખાલિસ્તાની ભાગલાવાદીઓ અને આતંકવાદીઓને પણ મોતને ઘાટ ઉતારી રહ્યા છે. અહેવાલ છે કે કેનેડામાં હરદીપસિંહ નિજ્જરની હત્યામાં પણ ભારતનો હાથ રહ્યો છે. કેનેડા અને અમેરિકાએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. તેના સિવાય ગુરુપતવંતસિંહ પન્નૂની હત્યા કરવાની કોશિશનો આરોપ પણ ભારત પર લગાવાયો છે.