નવી દિલ્હી: ભાજપમાં સામેલ થવાની અટકળો પર કમલનાથે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે એબીપી ન્યૂઝને કહ્યું છે કે જો આવી કોઈ વાત હશે, તો સૌથી પહેલો મોકો તમને આપવામાં આવશે, સૌથી પહેલા તમને જણાવવામાં આવશે. કમલનાથ છિંદવાડામાં પોતાનો કાર્યક્રમ અધવચ્ચે છોડીને જ દિલ્હી પહોંચ્યા છે. સૂત્રો મુજબ, 19 ફેબ્રુઆરીએ કમલનાથ અને છિંદવાડાથી તેમના સાંસદ પુત્ર નકુલનાથ પણ ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે. સૂત્રો મુજબ, ટેકેદારોનો ત્યાં સુધીનો દાવો છે કે કમલનાથની સાથે 10થી 12 ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડે તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા તેને કોંગ્રેસ માટે મોટા આંચકા તરીકે જોવાય રહ્યું છે.
કમલનાથના પુત્ર નકુલ નાથે તો પોતાના સોશયલ મીડિયા હેન્ડલ એક્સ પરથી કોંગ્રેસ હટાવી દીધું છે કમલનાથના નિકટવર્તી સજ્જન વર્માએ પણ એક્સ હેન્ડલ પરથી કોંગ્રેસ હટાવી દીધું છે.
આ પહેલા પણ કમલનાથના કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો વહેતી થઈ હતી. પરંતુ આને કમલનાથે સોય ઝાટકીને રદિયો આપ્યો હતો. નવ વખત સાંસદ, બે વખત ધારાસભ્ય અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તથા મધ્યપ્રદેશ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કમલનાથની ઓળખ એક કદ્દાવર નેતાની છે. માનવામાં આવે છે કે કલમનાથની ઈચ્છા હતી કે આ વખતે તેમને રાજ્યસભામાં મોકલવામાં આવે, પરંતુ આવું થયું નહીં. કોંગ્રેસે અશોકસિંહને ઉમેદવાર બનાવ્યા. સૂત્રો મુજબ, તેમની નારાજગી આને લઈને વધી ગઈ. તેઓ પાર્ટીના ઉમેદવારના નામાંકનમાં પણ સામેલ થયા ન હતા.
આ દરમિયાન જ્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ સીએમ દિગ્વિજયસિંહ સાથે કમલનાથને લઈને સવાલ કરવામાં આવ્યો, તો તેમણે કહ્યુ કે તેઓ ભાજપમાં સામેલ થઈ શકશે નહીં. દિગ્વિજયસિંહે કહ્યુ છે કે જે વ્યક્તિ હંમેશાથી ગાંધી-નહેરુ પરિવારની સાથે ઉભો રહ્યો હોય, તે કેવી રીતે ભાજપમાં સામેલ થઈ શકે છે. દિગ્વિજયસિંહે ત્યાં સુધી જણાવ્યું કે તેમની ગઈકાલ રાત્રે કમલનાથ સાથે વાતચીત થઈ હતી.