દિલ્હી:પાકિસ્તાની હાલતથી અત્યારે વિશ્વના તમામ દેશ જાણકાર છે. પાકિસ્તાનમાં અત્યારે મોંઘવારી ચરમસીમા પર છે, લોકો પાસે ખાવાના રૂપિયા નથી, તો અન્ય તરફ પાકિસ્તાનની સામાન્ય જનતાને સરકાર પર વિશ્વાસ નથી અને આતંકવાદીઓથી પણ પાકિસ્તાનની જનતા કંટાળી છે. આવામાં જો વાત કરવામાં આવે તો હાલમાં પાકિસ્તાનમાં જનતા વિરોધ માટે રસ્તા પર આવી ગઈ છે.
પાકિસ્તાનમાં ટૂંક સમયમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, પરંતુ તે પહેલા બલૂચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર વિરોધની આગ ભભૂકી ઉઠી છે. હજારો બલોચ રસ્તા પર ઉતરી આવ્યા છે અને પાકિસ્તાન સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
દેખાવકારોનો આરોપ છે કે પાકિસ્તાની સેનાએ પહેલા ઘણા બલોચ લોકોનું અપહરણ કર્યું અને પછી તેમના પર એટલો અત્યાચાર કર્યો કે તેઓ મોતને ભેટ્યા છે.
પાકિસ્તાન સેનાના ત્રાસથી ઘણા બલોચના મોત બાદ સમગ્ર પ્રાંત રસ્તા પર આવી ગયો છે અને ઈસ્લામાબાદના અત્યાચારથી કંટાળીને યુદ્ધ શરૂ કરી દીધું છે. શુક્રવારે 1600 કિલોમીટર લાંબી પદયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન પાકિસ્તાનની વર્તમાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. હજારો વિરોધ પ્રદર્શન કરનારાઓએ પાકિસ્તાની સેના સામે ઝેર ઓક્યું છે.
પાકિસ્તાનમાં છેલ્લા ઘણા દાયકાઓથી અલગ બલૂચિસ્તાનની માંગ ઉઠી રહી છે. બલૂચિસ્તાનમાં રહેતા લોકો પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. હવે ફરી એક વખત તણખો ઉભો થતાં મામલો વધુ ગરમાયો છે. બલૂચ નેતાઓએ આંતરરાષ્ટ્રીય નેતાઓ પાસેથી પણ મદદ માંગી છે. બલૂચ નેતાઓનું કહેવું છે કે તેઓ પાકિસ્તાનમાં રહેવા માંગતા નથી. તેઓ કોઈપણ રીતે પાકિસ્તાનથી આઝાદી ઈચ્છે છે.