- કેનેડામાં વસવાટ કરતા પાકિસ્તાની નાગરિકની ધરપકડ
- સુરક્ષા એજન્સીઓ દ્વારા આ આતંકીની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી
નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન ISISના ઈશારાથી ન્યૂયોર્ક શહેરમાં હુમલાની યોજના ઘડવાના આરોપસર કેનેડામાં વસવાટ કરતા એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેનેડામાં રહેતા 20 વર્ષીય મોહમ્મદ શાહઝેબ ખાન (શાહઝેબ જાદૂન)ની 4 સપ્ટેમ્બરે કેનેડા-યુએસ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી હતી.
યુએસ એટર્ની જનરલ મેરિક બી. ગારલેન્ડના જણાવ્યા અનુસાર, શકમંદ પર કહેવાતા ઇસ્લામિક સ્ટેટના નામે શક્ય તેટલા યહૂદી લોકોની હત્યા કરવા માટે ન્યૂયોર્ક શહેરમાં આતંકવાદી હુમલાની યોજના ઘડવાનો આરોપ છે. પાકિસ્તાની વ્યક્તિ શક્ય તેટલા યહૂદી નાગરિકોને મારી નાખવાની યોજના બનાવી રહ્યો હતો. શાહઝેબે કહ્યું કે “ન્યૂ યોર્ક યહૂદીઓને નિશાન બનાવવા માટે યોગ્ય છે” કારણ કે અહીં યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ યહૂદી વસ્તી ધરાવે છે.
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, 4 સપ્ટેમ્બરની આસપાસ શાહઝેબ ત્રણ અલગ-અલગ વાહનોમાં બોર્ડર પર પહોંચ્યો હતો. ‘ન્યૂયોર્ક પોસ્ટ’ના અહેવાલ અનુસાર, અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે શંકાસ્પદ ત્રણ અલગ-અલગ વાહનોમાં સરહદથી 19 કિલોમીટર સુધી પહોંચ્યો હતો, પરંતુ તેને કેનેડાના ક્વિબેક પ્રાંતના શહેર ઓર્મસ્ટાઉન નજીક અટકાવવામાં આવ્યો હતો.
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે માહિતી આપી હતી કે, જો શાહઝેબ દોષી સાબિત થશે તો તેને 20 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ અગાઉ ગયા મહિને આસિફ મર્ચન્ટ નામના પાકિસ્તાનની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર અમેરિકન ધરતી પર રાજકારણી અથવા સરકારી અધિકારીની હત્યા કરવાની યોજના ઘડવાનો આરોપ છે.