- યુકેમાં ફરી વધ્યું ટેન્શન
- ડેલ્ટા વેરિયન્ટના 12 હજારથી વધુ કેસ નોંધાયા
- માર્ચ પછી ફરીવાર યુકેમાં કોરોનાના સૌથી વધુ કેસ
દિલ્લી: કોરોના વાયરસ ડેલ્ટા વેરિયન્ટ છે તેને સૌથી ઘાતક માનવામાં આવી રહ્યો છે. કેટલાક દેશોમાં આ વેરિયન્ટના કેસ જોવા મળ્યા છે પણ યુકેમાં કુલ ડેલ્ટા વેરિયન્ટના 12,431 કેસ નોંધાતા પ્રશાસન ચિંતામાં છે. યુકેના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ ભારતમાં ઓળખાયેલો કોરોનાનો ડેલ્ટા વેરીઅન્ટ યુકેમાં હવે પ્રભાવી વાઇરસ ઓફ કન્સર્ન બની જતાં તેના દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવાનું જોખમ વધ્યું છે.
જો કે વાત કરવામાં આવે ડેલ્ટા વેરિયન્ટની તો શરૂઆતમાં કેન્ટ વેરીઅન્ટ અને હવે આલ્ફા વેરીઅન્ટના નામે ઓળખાતાં કોરોના વાયરસના કેસો કરતાં ડેલ્ટા વેરીઅન્ટના કેસોની સંખ્યા વધી રહી છે. પ્રાથમિક જાણકારી અનુસાર આલ્ફાની સરખામણીમાં ડેલ્ટા વરીઅન્ટનો ચેપ ધરાવતા દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાનું જોખમ વધારે છે. આ સપ્તાહે ડેલ્ટા વેરીઅન્ટના 278 દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
ગયા સપ્તાહે 201 લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ દર્દીઓમાંથી મોટાભાગનાઓએ કોરોનાની રસી મુકાવી નહોતી. જેમણે કોરોનાની રસીના બંને ડોઝ મેળવ્યા છે તેઓ ડેલ્ટા વેરીઅન્ટ સામે સુરક્ષિત છે. ડેલ્ટા વેરીઅન્ટના સૌથી વધારે 2149 કેસો બોલ્ટનમાં અને 724 કેસો બ્લેકબર્ન વીથ ડાર્વેનમાં નોંધાયા છે.
જો કે લાન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર જેમણે ફાઇઝર-બાયોએનટેકની કોરોના રસીના બંને ડોઝ મેળવ્યા છે તેમનામાં ડેલ્ટા વેરીઅન્ટનો ચેપ લાગે તો તેમનામાં પેદા થતાં એન્ટીબોડીઝનું પ્રમાણ પાંચ ગણું ઓછું જણાયું છે. આ અભ્યાસમાં દર્શાવાયુ છે કે જેમ વય વધે તેમ વાયરસને ઓળખી તેની સામે લડતાં એન્ટીબોડીઝનું પ્રમાણ પણ ઘટે છે. જેને કારણે બૂસ્ટર ડોઝ લેવાની જરૂર પેદા થાય છે.