લુધિયાણાઃ પંજાબ પોલીસના કાઉન્ટર ઇન્ટેલિજન્સ ભટિંડા યુનિટે ISI મોડ્યુલ સાથે જોડાયેલા 3 લોકોની ધરપકડ કરી છે. પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે સોશિયલ મીડિયામાં આ જાણકારી આપી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ધરપકડ કરાયેલા લોકો હાલમાં UAPA કેસ હેઠળ સંગરુર જેલમાં બંધ વ્યક્તિઓના સંપર્કમાં હતા. પકડાયેલા ગુનેગારો પાસેથી 8 પિસ્તોલ, 9 મેગેઝીન અને 30 જીવતા કારતુસ મળી આવ્યા છે. ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, પીએસ કેન્ટ ભટિંડામાં આ ત્રણ આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ગુનેગારોના ગુનાહિત રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સીએમ ભગવંત માનની સૂચના અનુસાર પંજાબ પોલીસ રાજ્યમાં શાંતિ જાળવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ગયા મહિને જ પંજાબ પોલીસે કાર્યવાહી કરીને પ્રતિબંધિત ખાલિસ્તાન સમર્થક જૂથ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના 4 સભ્યોની ધરપકડ કરી હતી. આ આરોપીઓ પાસેથી છ પિસ્તોલ અને 275 કારતુસ મળી આવ્યા હતા. એસએએસ નગર પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. બબ્બર ખાલસાને આંતરરાષ્ટ્રીય ટાર્ગેટ કિલિંગનું કામ સોંપવામાં આવ્યું હતું. તેને પાકિસ્તાનમાં રહેતા આતંકવાદી હરવિંદર રિંડાનો ટેકો મળ્યો હતો. આ આરોપીઓને ISIની મદદથી મદદ આપવામાં આવી રહી હતી. પોલીસ તપાસ દરમિયાન આ આરોપીઓ પાસે રહેલા હથિયારો પાકિસ્તાનથી ડ્રોન મારફતે આયાત કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. પંજાબની શાંતિ ડહોળવાના હેતુથી આ આરોપીઓ રાજ્યમાં ટાર્ગેટ કિલિંગની યોજના બનાવી રહ્યા હતા. પોલીસે આ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા, આર્મ્સ એક્ટ અને ગેરકાનૂની પ્રવૃતિ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.