નવી દિલ્હીઃ NIAએ મધ્યપ્રદેશના જબલપુરમાં ISIS મોડ્યુલ પરની કાર્યવાહી દરમિયાન મારક હથિયારો, દારૂગોળો, ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ શનિવારે મધ્યપ્રદેશ પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) સાથે ગુપ્તચર-આધારિત સંયુક્ત ઓપરેશનમાં ISIS સાથે જોડાયેલા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો, જબલપુરમાંથી ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
NIA દ્વારા 26 અને 27 મેના રોજ જબલપુરમાં 13 સ્થળોએ પાડવામાં આવેલા રાતોરાત દરોડા દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. એનઆઈએએ સૈયદ મામૂર અલી, મોહમ્મદ આદિલ ખાન અને મોહમ્મદ શાહિદને ભોપાલની વિશેષ NIA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય એજન્સીએ તીક્ષ્ણ હથિયારો, દારૂગોળો (પ્રતિબંધિત બોર સહિત), ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે.
NIAએ ગયા વર્ષે ઓગસ્ટમાં એજન્સીના રડાર હેઠળ આવેલા મોહમ્મદ આદિલ ખાનની કથિત ISIS તરફી ગતિવિધિઓની તપાસ દરમિયાન 24 મેના રોજ કેસ નોંધ્યો હતો. તેના અને તેના સહયોગીઓ પર આરોપ છે કે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ ગ્રાસરૂટ ‘દાવા’ કાર્યક્રમો દ્વારા ISISનો પ્રચાર ફેલાવવામાં સામેલ છે.
એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોડ્યુલ સ્થાનિક મસ્જિદો અને ઘરોમાં બેઠકો યોજતો હતો અને દેશમાં આતંક ફેલાવવાનું ષડયંત્ર રચતો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે, ત્રણેય આરોપીઓ અત્યંત કટ્ટરપંથી હતા અને હિંસક જેહાદ પ્રવૃત્તિઓ કરવા માટે મક્કમ હતા. તેઓ ભંડોળ એકત્ર કરવામાં, ISIS પ્રચાર સામગ્રીનો પ્રસાર કરવામાં, યુવાનોને પ્રોત્સાહિત કરવામાં અને ભરતી કરવામાં અને આતંકવાદી પ્રવૃત્તિઓ હાથ ધરવાના હેતુસર હથિયારો અને દારૂગોળો મેળવવામાં રોકાયેલા હતા.