અમદાવાદઃ શહેરના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનારા જેગુઆર કારના ચાલક તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટ રૂમમાં પણ જવાની જગ્યા ન હતી. કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હતો. કોર્ટ પરિસરમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે કોરિડોર બનાવીને આરોપી તથ્ય પટેલને કોર્ટ પરિસરના આઠમા માળે હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં પબ્લિક પ્રોસિક્યુટર અને બચાવ પક્ષ વચ્ચે પોણો કલાક દલીલો ચાલી હતી. અમદાવાદ જિલ્લા(ગ્રામ્ય) કોર્ટે આરોપી તથ્ય પટેલના ત્રણ દિવસના એટલે કે, સોમવારે દિવસના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.જ્યારે આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલને સીધા 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.
અમદાવાદ શહેરના ભારે ચર્ચાસ્પદ બનેલા ઈસ્કોન બ્રિજના અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને
રિમાન્ડ મેળવવા માટે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં સરકારી વકીલે આરોપીના 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. પબ્લિક પ્રોસિક્યુટરે દલીલ કરી હતી કે તપાસ માટે પૂરતો સમય મળ્યો નથી. ગાડીમાં ઉપસ્થિત લોકોની પણ તપાસની જરૂર છે. આ આરોપીના મોબાઈલ ફોનની પણ તપાસ જરૂરી છે. આરોપી પોલીસ-તપાસમાં સહકાર આપતો નથી. આરોપી મોડી રાતે કઇ રેસ્ટોરાંમાંથી આવ્યો એની પણ તપાસની જરૂર છે. દરમિયાન આરોપીના વકીલ નિસાર વૈદ્યએ રજૂઆત કરી હતી કે 19 વર્ષનો છોકરો સિમ્સ હોસ્પિટલમાં ICUમાં હતો, તેની પર મીડિયા ટ્રાયલ થઈ હતી. ઘટનાસ્થળે 50-100 લોકોના ટોળાએ આરોપીને માર પણ માર્યો હતો. ઘટનાસ્થળેથી આરોપીને પિતા લઈ ગયા એટલે તેમને આરોપી બનાવાયા. આરોપીનાં માતા-પિતાને ફોન આવ્યો એટલે તેઓ ઘટનાસ્થળે ગયા. આની પાછળ પોલિટિકલ મોટિવ છે.
બચાવપક્ષના વકીલે કોર્ટમાં વધુ દલીલ કરતા એવી રજુઆત કરી હતી કે, મધરાત બાદ રાત્રે 12.30 બનાવ બન્યો હતો. ત્યાં એક એક્સિડન્ટ પહેલાંથી થયેલા હતો. પોલીસે ડાઇવર્ઝન કે બેરિકેડ્સ મૂક્યા નહોતા. ફરિયાદ પ્રમાણે આરોપીએ હોસ્પિટલમાં ટાઈમ પાસ કર્યો. ચાર કલાક જે સારવાર થઈ એ વિશે ડોક્ટરને પૂછવું હતું. જેગુઆર કારની તપાસમાં આરોપીની હાજરીની જરૂર નથી. આ કાવતરુ કે મર્ડર નથી. કારમાં કોણ-કોણ હતું એ લોકો તો સામેથી હાજર થયાં છે. તથ્ય સાથેના 5 લોકો પોલીસ સમક્ષ હાજર થયાં હતાં. તમામના બ્લડ સેમ્પલ લેવાયાં છે.આરોપી કારચાલક આખા રસ્તામાં કેટલી સ્પીડે ગાડી ચાલી એ ન કહી શકે. આરોપી કહે કે 20ની સ્પીડે ચાલતી હતી તો કોર્ટ માનશે? આ માટે FSLની ટીમ છે. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન નહીં, ડેમોન્સ્ટ્રેશન કર્યું છે. આવી સત્તા પોલીસ પાસે નથી, જેગુઆર કારમાં GPS લાગેલું છે. કંપની પાસે માહિતી મગાતાં તે પણ મળી જશે. કોલ રેકોર્ડ પણ સીમ કંપની પાસેથી મગાવી શકાય. આરોપીને લોકોએ માર્યો તેની સામે ગુનો ના નોંધાયો. અકસ્માત કરે તેના બંધારણીય હક રદ ન થઈ જાય. તેના પિતા સામે કોઈ વીડિયો નહોતો છતાં આરોપી બનાવ્યા. આરોપી અને તેના પિતા નથી ભાગ્યા. માતા-પિતા બાળકને હોસ્પિટલ લઈ ગયા, છુપાવ્યો નથી. CCTV જોઈ શકો છો. આરોપીએ નશાકારક દ્રવ્યનું સેવન કર્યું એ હોસ્પિટલના રિપોર્ટ નક્કી કરશે. રિમાન્ડના એકપણ મુદ્દામાં આરોપીની ઉપસ્થિતિની જરૂર નથી.
આ કેસમાં સરકારી વકીલે સામી દલીલ કરી હતી કે ગાડીના માલિકે ગાડી આરોપીને શા માટે આપી એ પ્રશ્ન. Gps લોકેશન બતાવે અંદર કોણ બેઠું હતું તે નહીં. આરોપી ક્યાં ગયો હતો તે પણ પૂછવું જરૂરી છે. મોબાઈલ નથી મળ્યો, તેના મિત્રોનો પણ મોબાઈલ નથી મળ્યો.આરોપીનાં માતા-પિતાએ પોલીસને જાણ કરવી હતી, તેઓ સીધા દીકરાને ઘટનાસ્થળેથી લઇ ગયા. શું પોલીસ આરોપીને હોસ્પિટલ ના લઈ જાત? આરોપીના પિતા ઘાયલોને કેમ હોસ્પિટલ ના લઈ ગયા? આરોપીના પિતાએ ઘટનાસ્થળના લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી. બચાવપક્ષની આર્ગ્યુમેન્ટ બેઝલેસ છે. કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી તથ્યને ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જ્યારે આરોપીના પિતાને જ્યુડિ. કસ્ટડીમાં મોકલાયા હતા.