Site icon Revoi.in

બાંગ્લાદેશ આર્મીનું ઈસ્લામીકરણ, મહિલા જવાનોને હિજાબની આપી મંજુરી

Social Share

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ સમગ્ર દેશમાં ઈસ્લામીકરણ તેજ થયું છે. સરકારની વાત તો છોડો, હવે બાંગ્લાદેશની સેનાએ પણ કટ્ટરપંથીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હોય તેવું લાગે છે. આ પહેલીવાર છે જ્યારે બાંગ્લાદેશની સેનાએ મહિલા સૈનિકોને હિજાબ પહેરવાની મંજૂરી આપી છે. વર્ષ 2000માં બાંગ્લાદેશ આર્મીમાં મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, ત્યારથી સેનામાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ છે. કટ્ટરવાદીઓના દબાણમાં બાંગ્લાદેશની સેનાએ હવે પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે.

બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ અનુસાર, જો મહિલા સૈનિકો હિજાબ પહેરવા માંગે છે, તો તેઓ હવે તેને પહેરી શકે છે. એડજ્યુટન્ટ જનરલની કચેરી તરફથી આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો છે. જે બાદ હવે મહિલા સૈન્ય કર્મચારીઓ માટે હિજાબ પહેરવું વૈકલ્પિક કરી દેવામાં આવ્યું છે. મીડિયા અહેવાલ અનુસાર, બાંગ્લાદેશમાં મહિલા અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ અને અન્ય લશ્કરી કર્મચારીઓ પર હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ હવે હટાવી લેવામાં આવ્યો છે. એડજ્યુટન્ટ જનરલના કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘3 સપ્ટેમ્બરે PSO કોન્ફરન્સમાં એક સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ઈચ્છુક મહિલા કર્મચારીઓને યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવી હતી.’

હકીકતમાં, વર્ષ 2000 માં, બાંગ્લાદેશ આર્મીમાં મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ અત્યાર સુધી મહિલાઓને યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની મંજૂરી નહોતી. એડજ્યુટન્ટ ઓફિસે હવે નિર્દેશ આપ્યો છે કે, વિવિધ યુનિફોર્મ (કોમ્બેટ યુનિફોર્મ, વર્કિંગ યુનિફોર્મ અને સાડી) સાથે હિજાબના સેમ્પલ પણ આપવા જોઈએ. હિજાબના નમૂનામાં ફેબ્રિક, રંગ અને કદ પણ સામેલ છે. પ્રસ્તાવિત હિજાબ પહેરેલી મહિલા સૈન્ય કર્મચારીઓની રંગીન તસવીરો 26 સપ્ટેમ્બર સુધીમાં સંબંધિત વિભાગને મોકલવા માટે કહેવામાં આવ્યું છે.

1997ની શરૂઆતમાં મહિલાઓને બાંગ્લાદેશી આર્મીમાં પુરૂષોની જેમ ઓફિસર બનવાની છૂટ હતી. વર્ષ 2000માં પહેલીવાર બાંગ્લાદેશની મહિલાઓ સેનામાં ઓફિસર બની હતી અને વર્ષ 2013માં મહિલાઓ સૈનિક તરીકે જોડાઈ હતી. બાંગ્લાદેશમાં હજુ પણ મહિલાઓ પાયદળ અને આર્મર કોર્પ્સમાં ઓફિસર બની શકતી નથી.