ઈઝરાયલઃ દરિયામાંથી 900 વર્ષ જૂની તલવાર મળી, પુરાતત્વ વિભાગે શરૂ કરી તપાસ
- તલવાર ભયાનક હોવાનું લાગે છે
- દરિયામાં 200 મીટરની ઉંડાઈએ મળી તલવાર
- તલવાર ધર્મયુદ્ધ દરમિયાન લડાયેલા કોઈ યુદ્ધની
દિલ્હીઃ ઈઝરાયલમાં હાલના દિવસોમાં જૂની વસ્તુઓ મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પ્રાચીન સમયગાળાની વસ્તુ મળી રહી છે. તાજેતરમાં જ વર્ષો જૂની દારૂની ફેકટરી મળી આવી હતી. હવે ઈઝરાઈલમાં મરજીવાએ સદીઓ જૂની તલવાર શોધી કાઢી છે. આ તલવાર લગભગ 900 વર્ષ જૂની હોવાનું જાણવા મળે છે. આ તલવારની કેટલીક તસ્વીરો જાહેર થઈ છે. તલવારને જોઈને જ ખ્યાલ આવે છે કે, તલવાર વર્ષો જૂની હોવાની સાથે ભયાનક પણ રહી હશે.
મીડિયા રિપોર્ચ અનુસાર આ મરજીવાનું નામ કાટઝિન છે તેણે દરિયામાં છલાંગ લગાવીને લગભગ 200 મીટર ઉંડાઈએ પહોંચ્યાં હતા. જ્યાં તેમણે કંઈક અલગ જ વસ્તુ જોઈ હતી. જેથી તેઓ તેને ઉઠાવીને બહાર લઈ આવ્યાં હતા. તેમજ આ અંગે અધિકારીઓને પણ જાણ કરી હતી. ઈઝરાયલના પુરાતત્વ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તલવાર ધર્મયુદ્ધ દરમિયાન લડાયેલા કોઈ યુદ્ધની છે. તે સમયે યોદ્દધાઓને ક્રુસેડર કહેવાય છે. આ એક સુંદર અને દુર્લભ શોધ છે. આ તલવાર એક મીટર લાંબી બ્લેડ અને 30 સેમીનું હેન્ડલ છે. જો કે, તલવારની આસપાસ કાટ લાગ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલમાં છેલ્લા કેટલાક દિવસોથી ઐતિહાસિક વસ્તુઓ મળી રહી છે. વર્ષો જૂની દારૂની ફેકટરી ઉપરાંત અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી. હવે વર્ષો જૂની તલવાર મળી આવતા પુરાતત્વ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.