નવી દિલ્હીઃ ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે તેણે હમાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા માટે છેલ્લા 24 કલાકમાં ગાઝામાં 320થી વધુને નિશાન બનાવ્યા છે. આમાં ટનલ અને રોકેટ લોન્ચિંગ સાઇટનો સમાવેશ થાય છે. આ દરમિયાન પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે આ હુમલાઓમાં 430થી વધુ લોકો માર્યા ગયા છે. વહેલી સવારે ઇઝરાયેલના વિમાનોએ લેબનોનમાં હિઝબુલ્લાહના બે સ્થાનો પર પણ હુમલો કર્યો હતો. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે આતંકી સંગઠન હિઝબુલ્લા ઈઝરાયેલમાં એન્ટી ટેન્ક મિસાઈલ અને રોકેટ છોડવાની યોજના બનાવી રહ્યું હતું. હમાસે પણ ઈઝરાયેલની સૈન્ય ચોકીઓ પર બે ડ્રોન હુમલાની પુષ્ટિ કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે નાગરિકો ખોરાક, પાણી અને શરણાર્થી શિબિરોના અભાવથી પીડાઈ રહ્યા છે. 14 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. ઘણા લોકો યુનાઈટેડ નેશન્સ ઈમરજન્સી રેફ્યુજી કેમ્પમાં આશરો લઈ રહ્યા છે.
ઈઝરાયલ ઉપર તા. 7મી ઓક્ટોબરના રોજ હમાસના આતંકવાદીઓએ હવાઈ હુમલો કર્યો હતો. હમાસના આતંકવાદીઓએ માત્ર 20 મિનિટના સમયમાં જ ઈઝરાયલ ઉપર એક-બે નહીં પરંતુ પાંચ હજાર રોકેટ છોડીને હુમલો કર્યો હતો. આ હુમલાને લઈને ઈઝરાયલની સરકાર કંઈ સમજે તે પહેલા જ હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં ઘુસી ગયા હતા, અને ખુની ખેલ ખેલ્યો હતો. નિર્દોશ મહિલા અને બાળકો સહિતની જનતાને નિશાન બનાવીને અનેક લોકોની હત્યા કરી હતી. હમાસના હુમલાને પગલે ઈઝરાયલ સફાળુ જાગ્યું હતું અને હમાસનો ખાતમો બોલાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. બીજી તરફ આતંકવાદી હુમલાની ભારત અને અમેરિકા સહિતના દેશોએ નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું હતું. બીજી તરફ ઈઝરાયલની સેનાએ પણ ગાઝા પટ્ટીમાં હમાસના આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવાનું શરુ કર્યું હતું. તેમજ એરફોર્સે હમાસના ઠેકાણાઓને નિશાન બનાવીને નાબુદ કર્યાં છે. હમાસના આતંકવાદીઓએ ગાઝા પટ્ટીમાં ટનલનું નેટવર્ક ઉભુ કર્યું છે. તેને પણ તોડી પાડવા માટે કવાયત શરુ કરવામાં આવી છે.