ઇઝરાયેલે ગાઝાની અલ-શિફા હોસ્પિટલ પર કર્યો હુમલો,અનેક લોકોના મોત,નેતન્યાહુએ યુદ્ધવિરામનો કર્યો ઇનકાર
દિલ્હી:ઈઝરાયેલે શુક્રવારે ગાઝાની મોટી હોસ્પિટલ અલ-શિફાને નિશાન બનાવી હતી. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે, ઈઝરાયલી દળોએ ઘાયલોને પહેલા હોસ્પિટલમાં અને પછી જ્યારે તેઓ ઘાયલોને એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહ્યા હતા ત્યારે હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાજેતરના બોમ્બ ધડાકામાં ઘણા લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલી સેનાએ કહ્યું છે કે તે તપાસ કરી રહી છે.
આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-કાદરાએ જણાવ્યું હતું કે, અમે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર રેડ ક્રોસને જાણ કરી છે.અગાઉ કહ્યું હતું કે હુમલામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ જારી કરાયેલ નિવેદનમાં જાનહાનિ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકનને કહ્યું કે તેઓ બંધકોને મુક્ત કર્યા વિના આતંકવાદી જૂથ હમાસ વિરુદ્ધ યુદ્ધ બંધ નહીં કરે. નેતન્યાહુએ ઈઝરાયેલે ગાઝામાં ઈંધણ પ્રવેશવા દેવાના તમામ અહેવાલોને પણ ફગાવી દીધા અને કહ્યું કે અમે ઈંધણને ગાઝામાં પ્રવેશવા નહીં દઈએ.
નેતન્યાહુએ બ્લિંકનને કહ્યું કે ઇઝરાયેલ અસ્થાયી યુદ્ધવિરામને નકારી કાઢે છે જેમાં ઇઝરાયેલી બંધકોની મુક્તિનો સમાવેશ થતો નથી. ઈઝરાયેલ ગાઝામાં ઈંધણ અને પૈસા મોકલવાનો પણ વિરોધ કરે છે
નેતન્યાહુએ વચન આપ્યું હતું કે, અમારી જીત ટૂંક સમયમાં આવશે અને તે પેઢીઓ સુધી ઉજવવામાં આવશે. નેતન્યાહુએ એમ પણ કહ્યું કે ઈઝરાયેલના દુશ્મનોનું લક્ષ્ય દેશને બરબાદ કરવાનું છે,પરંતુ તેઓ આમાં ક્યારેય સફળ નહીં થાય. તેમણે સ્પષ્ટ કર્યું કે ઇઝરાયલ જ્યાં સુધી વિજય હાંસલ નહીં કરે ત્યાં સુધી અટકશે નહીં.