નવી દિલ્હીઃ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મોત બાદ ઈઝરાયેલે ફરી એકવાર લેબેનોનની રાજધાની બેરૂત પર હુમલો કર્યો છે. જોકે ઈઝરાયેલે બેરૂતમાં રહેણાંક વિસ્તાર પર ડ્રોન હુમલો કર્યો હોય તેવી આ પહેલી ઘટના છે. લેબનીઝ સુરક્ષા સૂત્રનું કહેવું છે કે ઈઝરાયેલે બેરૂતમાં એપાર્ટમેન્ટ્સ પર હુમલો કર્યો છે, જેમાં બે લોકો માર્યા ગયા છે. બેરૂતના કોલા વિસ્તારમાં એક ઈમારતને નિશાન બનાવવામાં આવી હતી. શહેરની હદમાં આ પ્રકારનો આ પહેલો હુમલો છે.
હુમલામાં ઓછામાં ઓછા 29 લોકો ઘાયલ પણ થયા
ઈઝરાયેલ હવે હિઝબુલ્લાહના અન્ય નેતાઓને નિશાન બનાવી રહ્યું છે. આ પહેલા લેબનોનના દક્ષિણી શહેર સિડોનની પૂર્વમાં બે ઈમારતો પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા હતાં. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે હુમલામાં ઓછામાં ઓછા 29 લોકો ઘાયલ પણ થયા છે. તેજ સમયે બીજો હુમલો બાજુની ઈમારત પર થયો, જેના કારણે ઈમારત પહેલા જમણી તરફ નમીને પડી ગઈ હતી. ઈઝરાયેલના હવાઈ હુમલાઓ દક્ષિણ લેબનોન અને બેકા પ્રદેશમાં તીવ્ર બન્યા છે.
યમનના બંદર શહેર હોદેદાહમાં હુથી વિદ્રોહીઓના સ્થાનો થયા ધ્વસ્ત
હિઝબુલ્લાહ પર હુમલા થયા બાદ ઈઝરાયેલ યમનમાં હુથી વિદ્રોહીઓના સ્થાનો પર પણ હુમલો કરી રહ્યું છે. ઈઝરાયેલી સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રવિવારે બપોરે ઈઝરાયેલી એરફોર્સના ફાઇટર પ્લેન્સે યમનના બંદર શહેર હોદેદાહમાં હુથી વિદ્રોહીઓના સ્થાનો પર ડઝનભર હુમલા કર્યા હતાં. ઈઝરાયેલી સંરક્ષણ દળોના એક નિવેદન અનુસાર, હવાઈ હુમલાઓએ યુદ્ધ વિમાનો, પાવર પ્લાન્ટ્સ અને યમનના રાસ ઈસા અને હોદેદાહ બંદરો પરના દરિયાઈ બંદરો સહિત ડઝનેક વિમાનોને નિશાન બનાવ્યા હતાં. ઈઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે ઈઝરાયેલ પરના તાજેતરના હુમલાઓના જવાબમાં ડઝનેક વિમાનોએ યમનમાં હુતી સ્થાનો પર હુમલો કર્યો છે.