Site icon Revoi.in

ગાઝામાં હોસ્પિટલનો આતંક ફેલાવવા ઉપયોગ થયાનો ઈઝરાયલનો દાવો, આધુનિક હથિયારો ઝડપાયાં

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે એક મહિનાથી પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન ઈઝરાયેલી સેના ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી. સેનાએ હવે દાવો કર્યો હતો કે, તેને હોસ્પિટલની અંદર કમાન્ડ સેન્ટર અને હથિયારો મળ્યા છે. જો કે હમાસે તેના પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. અલ શિફા હોસ્પિટલમાંથી મળેલા હથિયારો અંગે ઈઝરાયેલની સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે, અમારા સૈનિકો હજુ પણ હોસ્પિટલની અંદર તપાસ કરી રહ્યાં છે.

ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે, “સર્ચ દરમિયાન અમને ગુપ્તચર માહિતી એકત્ર કરવા માટેના સાધનો, લશ્કરી સાધનો અને ઘણા શસ્ત્રો મળ્યા હતા. અમને એક ઓપરેશનલ હેડક્વાર્ટર પણ મળ્યું હતું, અહીં અમને હમાસના હથિયારો અને તેમના યુનિફોર્મ મળ્યા હતા.”

ઈઝરાયેલની સેનાએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં હોસ્પિટલ સંકુલની અંદર એક અજાણી ઈમારતમાં ઓટોમેટિક હથિયારો, દારૂગોળો અને જેકેટ રાખવામાં આવ્યા છે. ડેનિયલ હગારીએ કહ્યું, “આ તમામ બાબતો સૂચવે છે કે અલ શિફા હોસ્પિટલનો ઉપયોગ આતંક ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો.”

ઇઝરાયેલની સેનાએ અલ શિફા હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે સહાય સામગ્રી મોકલી છે. “ IDF સૈનિકોએ ગાઝાની અલ શિફા હોસ્પિટલની અંદર આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શોધી શોધવાની સાથે હોસ્પિટલમાં તબીબી સહાય મોકલી છે. હમાસ પોતાના અસ્તિત્વ માટે ગાઝાના નાગરિકનું શોષણ કરે છે. આઈડીએફ નાગરિક નુકશાન ઓછુ કરવા માટે સતત માનવીય સહાય મોકલી રહ્યું છે.