નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન બુધવારે ઈઝરાયલની મુલાકાતે પહોંચ્યાં હતા. તેમના સ્વાગત માટે ઈઝરાયલના પીએમ બેંજામિન નેતન્યાહૂ બેન ગુરિયન એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન ઈઝરાયલ પહોંચ્યાં હતા. બાઈડેનના પ્રવાસને ખાસ માનવામાં આવે છે. આ દરમિયાન ગાઝાની હોસ્પિટલ ઉપર થયેલા હુમલામાં ઈઝરાયલનો કોઈ હાથ નહીં હોવાનું બાઈડેને કહ્યું હતું. તેમજ કહ્યું હતું કે, ગાઝાની હોસ્પિટલ ઉપર થયેલો હુમલો દુઃખદ છે. હમાસની ક્રુરતા કલ્પના બહારની છે. જો કે, હમાસ પેલિસ્તાનનું પ્રતિનિધિ નથી, અમેરિકા હંમેશા ઈઝરાયલની સાથે ઉભું છે.
અમેરિકાના પ્રમુખ જો બાઈડેન અને ઈઝરાયલના પીએમ નેતન્યાહુ વચ્ચે બેઠક યોજાઈ હતી. દરમિયાન બાઈડેને જણાવ્યું હતું કે, આઈએસઆઈએસની જેમ હમાસ ભયાનક કામ કરી રહ્યું છે. 7મી ઓક્ટોબરના રોજ ઈઝરાયલ ઉપર હમાસના હુમલામાં અનેક નિર્દોશ લોકોના મોત થયાં છે. જે માનવતાની વિરોધમાં છે. હમાસે જેવા અત્યાચાર કર્યાં છે જે આઈએસઆઈએસ સમાન છે. હમાસ પેલિસ્તાનની પ્રજાનું પ્રતિનિધિત્વ નથી કરતું, પરંતુ હમાસને કારણે પેલિસ્તાનની પ્રજાને મુશ્કેલી ના પડે તેનું પણ આપણે ધ્યાન રાખવુ પડશે.
તેમણે વધુમાં કહ્યું કે, ગાઝાની હોસ્પિટલ ઉપર જે હુમલો થયો તે દુઃખદ છે. મે જે નિહાળ્યું તેના આધારે એવુ લાગે છે કે, આ હુમલા ઈઝરાયલે નથી કર્યો પરંતુ બીજી તરફથી થયો છે. તેમણે નેતન્યાહૂને કહ્યું કે, ગાઝામાં ચાલી રહેલા યુદ્ધમાં વોશિંગટન ઈઝરાયલને પોતાની રક્ષા માટે આવશ્યક તમામ વસ્તુઓ પુરી પાડશે. 7મી ઓક્ટોબરના હુમલામાં ઈઝરાયલની અંદર 1400થી વધારે લોકોના મૃત્યુ થયાં છે, જેમાં 31 જેટલા અમેરિકન નાગરિક પણ હતા. દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું કે, સભ્ય દુનિયાએ હમાસને હરાવવા માટે એક સાથે આવવું જોઈએ.