ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુદ્ધવિરામની માંગણી સાથેનો પ્રસ્તાવ ના મંજુર થયો
નવી દિલ્હીઃ ગાઝામાં ચાલી રહેલી હિંસા પર રશિયાના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફગાવી દેવામાં આવ્યો હતો. રશિયાના પ્રસ્તાવમાં ગાઝામાં નાગરિકો સામેની હિંસાની નિંદા કરવામાં આવી હતી અને યુદ્ધવિરામની માંગ કરવામાં આવી હતી, પરંતુ તેમાં હમાસ અથવા તેના દ્વારા ઇઝરાયેલી નાગરિકો પરના બર્બર હુમલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં પશ્ચિમી દેશોએ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. 15 સભ્યોની સુરક્ષા પરિષદમાં ઠરાવ પસાર કરવા માટે નવ મતોની જરૂર હતી, પરંતુ માત્ર ચાર દેશોએ ઠરાવના સમર્થનમાં મતદાન કર્યું હતું. ચાર દેશોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
રશિયાના ઠરાવના સમર્થનમાં મતદાન કરનારા દેશમાં ચીન, સંયુક્ત આરબ અમીરાત, મોઝામ્બિક અને ગેબોનનો સમાવેશ થાય છે. પ્રસ્તાવના વિરોધમાં મતદાન કરનારા દેશોમાં અમેરિકા, બ્રિટન, જાપાન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. અન્ય છ દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને લગભગ બે અઠવાડિયા થઈ ગયા છે, પરંતુ હજુ સુધી વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે જવાબદાર સંયુક્ત રાષ્ટ્રની સૌથી મહત્વપૂર્ણ સંસ્થા સુરક્ષા પરિષદ હિંસાને રોકવામાં નિષ્ફળ રહી છે. 7 ઓક્ટોબરે પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલની સરહદમાં ઘૂસીને 1400 લોકોની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. ઈઝરાયેલના જવાબી હુમલાને કારણે ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં લગભગ 2750 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ગાઝા પરના રશિયન રિઝોલ્યુશન પરના મતદાન પહેલા, રશિયન રાજદ્વારી વેસિલી નેબાન્ઝિયાએ સભ્ય દેશો પાસેથી સમર્થન માંગ્યું હતું, તેમજ કહ્યું કે, ગાઝા કટોકટી અભૂતપૂર્વ છે અને દર કલાકે જાનહાનિની સંખ્યા વધી રહી છે. રશિયન રાજદ્વારીએ ઇઝરાયેલ અને ગાઝામાં નાગરિકોના મોતની સખત નિંદા કરી હતી. રશિયાના પ્રસ્તાવના અસ્વીકાર બાદ વેસિલી નેબાન્ઝિયાએ કહ્યું હતું કે તે ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે સુરક્ષા પરિષદ પશ્ચિમી દેશોના હિતોની બંધક છે અને તે છેલ્લા દાયકાની સૌથી ગંભીર હિંસા રોકવા માટે સંયુક્ત સંદેશ આપવામાં નિષ્ફળ રહી છે.