નવી દિલ્હીઃ મીડલ ઈસ્ટમાં યુદ્ધની વચ્ચે લેબનોન પર ઇઝરાયેલના હુમલા ચાલુ છે. ઇઝરાયેલી સેનાએ બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં 30 થી વધુ હવાઈ હુમલા કર્યા છે. લેબનીઝ મીડિયાએ આ હુમલાઓને અત્યાર સુધીના સૌથી હિંસક હુમલા ગણાવ્યા છે. ઈઝરાયેલે કહ્યું કે. તેણે હિઝબુલ્લાહના હથિયારોના ડેપોને નિશાન બનાવ્યું છે. દરમિયાન ઈઝરાયેલી સેનાએ રવિવારે એક મસ્જિદ પર હવાઈ હુમલો કર્યો હતો. IDF એ દાવો કર્યો હતો કે મસ્જિદ અને શાળાનો ઉપયોગ હમાસ માટે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો છે. આ હવાઈ હુમલામાં 24 લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે.
હિઝબુલ્લાએ મનારામાં ઇઝરાયલી સૈનિકો પર હુમલાનો દાવો કર્યો છે. હિઝબુલ્લાહનું કહેવું છે કે તેણે રવિવારે ઉત્તર ઇઝરાયેલના મનારામાં ઇઝરાયલી સૈનિકો પર રોકેટ અને મિસાઇલ વડે ત્રણ હુમલા કર્યા છે. આ પહેલા હિઝબુલ્લાએ બ્લિદામાં ખાલેત શુએબ દ્વારા લેબનોનમાં ઘુસણખોરીનો પ્રયાસ કરનાર ઈઝરાયલી સૈનિકો પર હુમલો કરવાનો પણ દાવો કર્યો હતો. ત્યારે હિઝબુલ્લાએ કહ્યું હતું કે, આ હુમલાઓએ ઇઝરાયલી સૈનિકોને પીછેહઠ કરવા મજબૂર કર્યા છે.
બીજી તરફ સમગ્ર ઉત્તર ગાઝામાં ઈઝરાયેલનો હુમલો ચાલુ છે. ઈઝરાયેલી સેનાએ ઉત્તરી ગાઝાનો મોટો હિસ્સો ખાલી કરવા કહ્યું છે. ઇઝરાયલી સેનાના અરબી પ્રવક્તા અવિચાઇ અદ્રાઇએ પોતાના નિવેદનમાં કહ્યું, “હમાસે આ વિસ્તારમાં આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કર્યું છે. તેઓ અહીંના લોકોનું શોષણ કરી રહ્યા છે. આ સિવાય તેઓ અહીંના લોકોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે.” ઇઝરાયેલની સેના આતંકવાદી સંગઠનો સામે બળપૂર્વક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે તેઓ રશીદ સ્ટ્રીટ અને સલાહ અલ-દિન સ્ટ્રીટ તરફ આગળ વધી શકે છે.