Site icon Revoi.in

ઈઝરાયલઃ હમાસને ISIS કરતા પણ ખરાબ ગણાવીને આતંકીઓના ખાતમાની નેતન્યાહૂએ લીધી પ્રતિજ્ઞા

Social Share

નવી દિલ્હીઃ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભૂતપૂર્વ IDF સ્ટાફની આગેવાની હેઠળ વિરોધ પક્ષ બ્લુ એન્ડ વ્હાઇટ પાર્ટી સાથે મળીને રાષ્ટ્રીય કટોકટીની સરકારની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. પીએમ નેતન્યાહુએ આતંકવાદી સંગઠનને ચેતવણી આપતા કહ્યું કે, હવે હમાસના તમામ સભ્યોનું મોત નિશ્ચિત છે. નેતન્યાહુએ જાહેર કર્યું, ‘યહૂદી રાષ્ટ્ર (ઈઝરાયેલ) એક છે અને હવે તેનું નેતૃત્વ પણ એકતાથી થશે.

હમાસને ISIS કરતા પણ ખરાબ ગણાવીને નેતન્યાહૂએ શનિવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા અત્યાચારોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. “ઈઝરાયેલમાં દરેક પરિવાર પીડિત પરિવારો સાથે કોઈને કોઈ રીતે જોડાયેલ છે,” અમે અમારા ઘર માટે સાથે મળીને લડીશું. નેતન્યાહુએ કહ્યું કે, તેમને વિશ્વ સ્તરના રાજકારણીઓનું સમર્થન પણ મળ્યું છે. ઈઝરાયેલના PMએ જાહેરાત કરી કે, ‘અમે આક્રમક બની ગયા છીએ. હમાસ સાથે જોડાયેલા દરેક સભ્યનું મૃત્યુ નિશ્ચિત છે. નેતન્યાહુએ કહ્યું કે આખું ઈઝરાયેલ તેના સૈનિકો સાથે ઉભું છે અને હવે ઈઝરાયેલ જીતશે.

સંરક્ષણ પ્રધાન બેની ગાન્ઝે કહ્યું હતું કે,આપણે બધા એક છીએ. અમે બધા આ સંઘર્ષમાં જોડાઈ રહ્યા છીએ. અહીં માત્ર એક જ છાવણી છે અને તે છે ઈઝરાયેલ રાષ્ટ્રની શિબિર. તેમણે વધુમાં કહ્યું કે નેતન્યાહુ સાથેની આ નવી ભાગીદારી રાજકીય ભાગીદારી નથી પરંતુ ભાગ્યની ભાગીદારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે હમાસે ઈઝરાયલ ઉપર હુમલો કર્યા બાદ હમાસના આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે ઈઝરાયલી સેનાએ અભિયાન શરૂ કર્યું છે. તેમજ ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણા ઉપર સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં ગાઝા પટ્ટી ઉપર 3 લાખથી વધારે જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે. આ જવાનો ગાઝામાં પ્રવેશીને હમાસના આતંકવાદીઓને ઠાર મારવા માટે નેતન્યાહૂના નિર્દેશની રાહ જોઈ રહ્યાં છે.