હમાસ પ્રત્યે કુણુ વલણ રાખનાર UN– WHOને હમાસના કૃત્યોને લઈને ઈઝરાયલે કર્યાં અણિયારા સવાલ
નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં અત્યાર સુધીમાં 4000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન, યુએનમાં ઇઝરાયલના રાજદૂત ગિલાડ એર્ડને હમાસ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા બદલ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પૂછ્યું હતું કે, ‘ત્યારે તમારો ગુસ્સો ક્યાં હતો? જ્યારે ઇઝરાયેલમાં હમાસના આતંકવાદીઓએ બાળકોની હત્યા કરી, મહિલાઓ પર બળાત્કાર કર્યો અને બચી ગયેલા લોકોને બંધક બનાવ્યા. અધિકારીએ કહ્યું કે ખરેખર તમારા બેવડા ધોરણોની કોઈ મર્યાદા નથી. શું તમે એવી જગ્યાએ રહો છો જ્યાંથી તમે હમાસની ક્રૂરતા જોઈ શકતા નથી? એર્ડને કહ્યું કે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈઝરાયેલના હજારો લોકો માર્યા ગયા હતા. તેમજ અનેક લોકો ઘાયલ થયા છે. જો આ આતંકવાદી જૂથનો નાશ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં હજારો લોકોની હત્યા કરવામાં આવશે.
માનવતાવાદી બાબતોના અન્ડર-સેક્રેટરી-જનરલ અને ઈમરજન્સી રિલીફ કોઓર્ડિનેટર માર્ટિન ગ્રિફિથ્સની પોસ્ટને લઈને ઈઝરાયેલના રાજદૂતે નારાજગી વ્યક્ત કરી હતી. ગ્રિફિથ્સે તેની પોસ્ટમાં કહ્યું હતું કે ગાઝા પર મૃત્યુનો પડછાયો છવાઈ રહ્યો છે. હજારો લોકો પાણી, વીજળી, ખોરાક અને દવા વિના મરી જશે. આ એકદમ સ્પષ્ટ છે. તેમણે યુએનના અધિકારીની પોસ્ટને પૂછ્યું કે, જ્યારે હમાસે યુએનના તમામ નાણાં આતંકવાદી સુરંગો ખોદવામાં અને ઇઝરાયલીઓને નિશાન બનાવતા રોકેટ બનાવવામાં ખર્ચ્યા ત્યારે તમારો ગુસ્સો ક્યાં હતો? અર્દાને વધુમાં પૂછ્યું કે જ્યારે હમાસે ગાઝાના લોકોના દરેક સંસાધન (પાણી, ઉર્જા, સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર)ને પોતાના માની લીધું, તો તમે ક્યારેય જાહેરમાં તેની નિંદા કેમ નથી કરી?
ઇઝરાયલના રાજદૂત ગિલાડ એર્ડને પૂછ્યું, “શું તમને યાદ છે કે તમે કેવી રીતે નાગરિકો પરના રોકેટ હુમલાની નિંદા કરવા બદલ તમારા કાર્યાલયના વડા સારાહ મસ્ક્રોફ્ટને તેમના પદ પરથી હટાવ્યા?” ઈઝરાયેલના અધિકારીએ કહ્યું કે, તે સમયે તથ્યોને નજરઅંદાજ કરીને આતંકવાદીઓના સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેનું પરિણામ આજે ગાઝા છે.
તેમણે કહ્યું, ‘જ્યારે અમે બંધકોને મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે સમયે, યુએનના અધિકારીઓ પાસે આતંકવાદ સામે લડતા દેશને ઠપકો આપવાની કોઈ વિશ્વસનીયતા કે કાયદેસરતા નથી. તમને શરમ આવવી જોઈએ.‘ રાજદૂતે કહ્યું કે, જો તમે ખરેખર માનવતાવાદી સંગઠનના વડા તરીકે કામ કરવા માંગતા હોવ અને લોકોની વેદના ઓછી કરવી હોય તો હમાસને તમામ બંધકોને મુક્ત કરવા માટે આહ્વાન કરીને શરૂઆત કરો. આ અત્યારે સૌથી મહત્વપૂર્ણ છે. તેમણે WHO ચીફ ડૉ. ટેડ્રોસ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા બાળકો અને મહિલાઓ માટે તમારી ચિંતા ક્યાં છે? સતત મિસાઈલ હુમલાઓ દ્વારા લોકોને નિશાન બનાવવામાં આવે છે ત્યારે તમારો ગુસ્સો ક્યાં છે? તેમણે પૂછ્યું, ‘હમાસની નિંદા કરવા માટે તમે કોની રાહ જુઓ છો?’