નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને બુધવારે કહ્યું હતું કે, ભારતે હમાસ પર આતંકવાદી સંગઠન તરીકે પ્રતિબંધ મૂકવો જોઈએ, જેમ કે અન્ય ઘણા દેશોએ કર્યું છે. તેમણે હમાસ વિરુદ્ધ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં ઈઝરાયેલને ‘100 ટકા‘ સમર્થન આપવા બદલ ભારતનો પણ આભાર માન્યો હતો.
ગિલોને કહ્યું કે, 7 ઓક્ટોબરે થયેલા ઘાતકી હુમલા બાદ ઈઝરાયેલે હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવા અંગે સંબંધિત ભારતીય અધિકારીઓને જાણ કરી છે. તેમણે એ પણ સંકેત આપ્યો કે, આ મામલો અગાઉ પણ ઉઠાવવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકવાદી હુમલાની નિંદા કરનારા વિશ્વના પ્રથમ નેતાઓમાં સામેલ હતા.
રાજદૂતે વધુમાં જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં ખૂબ જ મહત્વપૂર્ણ નૈતિક અવાજ છે અને મહત્વપૂર્ણ દેશો અમારી સાથે છે. તેમણે કહ્યું, ‘હવે સમય આવી ગયો છે કે ભારત હમાસને ભારતમાં આતંકવાદી સંગઠન જાહેર કરે.‘ તેમણે કહ્યું કે ઘણા દેશો આ પહેલા કરી ચુક્યા છે. ભારત આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં અમને મજબૂત સમર્થન આપી રહ્યું છે.
ઇઝરાયેલ માટે, આ મધ્ય પૂર્વમાં અસ્તિત્વ માટેનું યુદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇઝરાયેલ હમાસને નષ્ટ કરવા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે હમાસ વિરુદ્ધ ઈઝરાયેલની કાર્યવાહીનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સંગઠન દ્વારા કરવામાં આવેલા અત્યાચારોનું પુનરાવર્તન ન થાય. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ગાઝાથી ઇઝરાયેલમાં હજારો રોકેટ છોડ્યા હતા. તેમજ જમીની હુમલા પણ શરૂ કર્યા હતા.. જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલે ગાઝામાં જોરદાર હુમલો કર્યો હતા. જેમાં હજારો લોકોના મોત થયા છે.