ગાઝાની હોસ્પિટલ નાસરમાં હમાસના આતંકવાદીઓ છુપાયાની આશંકાથી ઇઝરાયલનો હુમલો
નવી દિલ્હીઃ ઇઝરાયલે હમાસના આતંકવાદીઓની શોધમાં ગાઝાની સૌથી મોટી નાસર હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા. ઈઝરાયલી દળોએ દાવો કર્યો હતો કે ખાન યુનિસની આ હોસ્પિટલમાં હમાસના આતંકવાદીઓ આશરો લઈ રહ્યા હોવાની નક્કર માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ખાન યુનિસ શહેરમાં આવેલી નાસેર હોસ્પિટલ અઠવાડિયાની લડાઈને કારણે મોટાભાગે બંધ થઈ ગઈ છે.
ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હમારીએ નાસેર હોસ્પિટલ પરના દરોડા વિશે કહ્યું હતું કે; તે નક્કર માહિતીના આધારે સચોટ અને મર્યાદિત છે. ઇઝરાયેલે આરોપ લગાવ્યો છે કે, હમાસ તેના લડવૈયાઓને બચાવવા માટે હોસ્પિટલો અને અન્ય નાગરિક માળખાનો ઉપયોગ કરે છે. તે જ સમયે, હમાસના પ્રવક્તાએ ઇઝરાયેલના દાવાને જુઠ્ઠાણું ગણાવ્યું અને કહ્યું કે, ઇઝરાયેલે હોસ્પિટલમાં આશ્રય લઈ રહેલા મેડિકલ સ્ટાફના પરિવારમાંથી લગભગ 2,000 લોકોને બળપૂર્વક બહાર કાઢ્યા. આમાંથી કેટલાકને મધ્ય ગાઝામાં દેર અલ-બાલાહ જવાની ફરજ પડી હતી.
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબરથી ચાલી રહેલા ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં 28,663 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમાં મોટા ભાગના નાગરિકો છે. જ્યારે રફાહમાં એપાર્ટમેન્ટ્સ પાસે થયેલા ભીષણ ગોળીબારથી બચવા માટે ઘણા લોકો હોસ્પિટલોમાં આશ્રય લઈ રહ્યા છે. જયારે યુએન ઓફિસે જણાવ્યું હતું કે, ઇઝરાયલે નાસેર હોસ્પિટલને ઘેરી લીધી હતી અને હજારો લોકોને વિસ્થાપિત કરવાની ફરજ પડી હતી.
હોસ્પિટલના સર્જન ડૉ. ખાલિદ અલસેરે જણાવ્યું હતું કે, હૉસ્પિટલમાં લાગેલી આગમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું અને 7 ઘાયલ થયા હતા. તે જ સમયે, યુએન સહાય એજન્સીના વડાએ રફાહમાં ઇઝરાયેલ દ્વારા શરૂ કરવામાં આવેલ ભીષણ ગોળીબાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગુરુવારે લેબનોનમાં 2 ઇઝરાયેલી હવાઈ હુમલામાં નાગરિકોના મૃત્યુની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે.
સીમા પર બુધવારે રાત્રે થયેલા હુમલાની શ્રેણીમાં તેને સૌથી ઘાતક ગણાવવામાં આવી રહ્યું છે. લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહે હુમલા માટે જવાબદાર ઇઝરાયેલ સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. કહેવાય છે કે ઈઝરાયેલને આની ભારે કિંમત ચૂકવવી પડશે. લેબનીઝ અસ્ત્ર દ્વારા ઇઝરાયેલી સૈનિક માર્યા ગયાના થોડા કલાકો પછી, ઇઝરાયેલી દળોએ નાબાતીહ શહેર અને દક્ષિણ લેબનોનના એક ગામ પર હુમલા શરૂ કર્યા હતાં.