Site icon Revoi.in

ઈઝરાયલ યુદ્ધ: હમાસના 70થી વધુ આતંકીઓએ આત્મસમર્પણ કર્યું

Social Share

નવી દિલ્હીઃ ઈઝરાયેલના આક્રમક સૈન્ય અભિયાને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસની કમર તોડી નાખી છે. ગાઝા પટ્ટીમાં યુદ્ધના 70માં દિવસે હમાસના આતંકવાદીઓની શસ્ત્રો મૂકવાની પ્રક્રિયા ચાલુ છે. અત્યાર સુધીમાં સેંકડો આતંકવાદીઓ આત્મસમર્પણ કરી ચૂક્યા છે.  ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે (IDF) આપેલ નિવેદન અનુસાર, કમલ અડવાન હોસ્પિટલના વિસ્તારમાં હમાસની બિલ્ડિંગમાંથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા હતા. અહીં એન્કાઉન્ટરમાં જવાનોએ ઘણા આતંકીઓને ઠાર કર્યા છે. IDF અનુસાર, મોટી સંખ્યામાં સૈનિકોને આવતા જોઈને હમાસના આતંકવાદીઓ ગભરાઈ ગયા. આ દરમિયાન 70થી વધુ આતંકીઓ હથિયાર લઈને હોસ્પિટલની બહાર આવ્યા હતા અને આત્મસમર્પણ કર્યું. બાદમાં ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટના યુનિટ 504માં પૂછપરછ માટે મોકલવામાં આવ્યા હતા.

આ દરમિયાન અમેરિકાએ ઇઝરાયલને ગાઝામાં હુમલા ઘટાડવા કહ્યું છે. રાષ્ટ્રપતિ જો બાઈડેનનું કહેવું છે કે, ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ગાઝામાં પેલેસ્ટિનિયનોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તે જ સમયે, ઇઝરાયલના ડિફેન્સ મિનિસ્ટર યોવ ગેલન્ટે તેલ અવીવ પહોંચેલા અમેરિકન NSA જેક સુલિવાનને જણાવ્યું કે, આ યુદ્ધ ઘણા મહિનાઓ સુધી ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 7મી ઓક્ટોબરના રોજ હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલ ઉપર હુમલો કર્યો હતો. હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં ખુની ખેલ ખેલ્યો હતો. હમાસના આ કૃત્યની ભારત અને અમેરિકા સહિતના દેશોએ નિંદા કરી હતી. બીજી તરફ ઈઝરાયલે હમાસના આતંકવાદીઓને તેમની ભાષામાં જ જવાબ આપવાનો નિર્ણય કર્યો હતો. તેમજ ગણતરીના કલાકોમાં જ ઈઝરાયલની સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણા ઉપર હુમલા શરુ કર્યાં હતા. હજુ ગાઝા પટ્ટી ઉપર ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.