- ટ્રમ્પે યહુદીઓની સભાને કરી સંબોધિત
- સભામાં ડોનાલ્ડ ડ્રમ્પે કર્યો ચોંકાવનારો દાવો
નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર ચરમસીમાએ છે. આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન યહૂદીઓ મામલે મોટો દાવો કર્યો છે. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે કહ્યું કે જો કમલા હેરિસ ચૂંટણી જીતીને વ્હાઇટ હાઉસ પહોંચશે તો ઇઝરાયેલનું અસ્તિત્વ ખતમ થઇ જશે. ટ્રમ્પે લાસ વેગાસમાં યહૂદીઓની એક સભાને સંબોધિત કરતા આ વાત કહી હતી. ટ્રમ્પે કહ્યું કે, ‘હું એ સુનિશ્ચિત કરવા માટે તમારી સાથે રહીશ કે ઇઝરાયેલ હજારો વર્ષો સુધી અમારી સાથે રહે, જો તે (કમલા હેરિસ) રાષ્ટ્રપતિ બને છે, તો તમારી પાસે ઇઝરાયેલ નહીં રહે.’
સુત્રોના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી યહૂદી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. યહૂદી સંમેલનમાં પોતાના ડેમોક્રેટિક હરીફોનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું હતું કે, ‘એક વાત મને સમજાતી નથી કે તમે તેમને કેવી રીતે સમર્થન આપો છો? હું હંમેશા કહેતો આવ્યો છું કે જો તમે યહૂદી છો અને તેમને ટેકો આપો તો તમારે તમારું મન તપાસવું જોઈએ, તેઓ તમારા માટે ખૂબ જ ખરાબ છે. રિપબ્લિકન પાર્ટીને યહૂદી મતો ઓછા મળ્યાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ‘હું પ્રમાણિકપણે કહી શકું છું કે અમને માત્ર 25 ટકા યહૂદી મત મળ્યા છે. ચાર વર્ષમાં 26 ટકા વોટ, જ્યારે મેં ઈઝરાયેલ માટે સૌથી વધુ કામ કર્યું છે. ટ્રમ્પે યહૂદીઓ પાસેથી આશા વ્યક્ત કરી હતી કે આ વખતે તેમને ઓછામાં ઓછા 50 ટકા વોટ મળશે.
જૂન મહિનામાં જ અમેરિકન યહૂદીઓની વોટિંગ ટકાવારીને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો, આ સર્વેમાં 24 ટકા યહુદીઓએ ટ્રમ્પને સમર્થન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘તમે જેમાંથી પસાર થયા છો તે ભયંકર છે. આ સમય દરમિયાન, હજારો લોકો મરી રહ્યા છે, વિનાશ અને બરબાદી થઈ રહી છે, એક સંસ્કૃતિ બરબાદ થઈ રહી છે. જો તેઓ (ડેમોક્રેટ્સ) વ્હાઇટ હાઉસમાં આવશે, તો તમે ક્યારેય ટકી શકશો નહીં અને આપણો દેશ અમેરિકા પણ ટકી શકશે નહીં.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે યહૂદીઓ જાહેરમાં સુરક્ષિત અનુભવતા હતા. જોકે, ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકામાં યહૂદી વિરોધી ઘટનાઓ વધી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, જો કમલા હેરિસ ચૂંટણી જીતશે તો આતંકવાદી દળો યહૂદીઓને ઈઝરાયેલમાંથી ભગાડવા માટે યુદ્ધ કરશે. બીજી તરફ કમલા હેરિસના ચૂંટણી પ્રચારે ટ્રમ્પના નિવેદન સામે વળતો પ્રહાર કર્યો છે.