નવી દિલ્હીઃ હમાસના આતંકવાદીઓ શનિવારે ઈઝરાયલ ઉપર ભિષણ આતંકવાદી હુમલો કર્યો હતો. જે બાદ ઈઝરાયલ વળતો જવાબ આપી રહ્યું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધમાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો કે, હજુ સુધી બંને તરફ જાનામલને કેટલુ નુકશાન થયું છે તેના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. જો કે, ગાઝા પટ્ટીની આસપાસ હમાસના લગભગ 1500થી વધારે આતંકવાદીઓની લાશ મળી હોવાનો ઈઝરાયલની સેનાએ દાવો કર્યો છે. એટલું જ નહીં 2100થી વધારે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઇઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે, હમાસ સામે અભિયાનમાં ગાઝાની સંસદ સહિત કેટલીક ઈમારતોને નિશાન બનાવાયાં છે.
ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતનયાહુએ જણાવ્યું હતું કે, પેલેસ્ટાઈનના બંદુકધારી હુમલાખોરોએ હજુ ઈઝરાયલમાં હાજર છે, ઈઝરાયલે ગાઝામાં 20થી વધારે સ્થળો ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ગાઝા તરફથી પણ ઈઝરાયલ ઉપર રોકેટથી હુમલો કરાયો હતો. ઈઝરાયલના સૈન્ય પ્રવક્તા રિચર્ડ હેચટએ જણાવ્યું હતું કે, ગાઝા પટ્ટીની આસપાસ ઈઝરાયલમાંથી હમાસના 1500થી વધારે આતંકવાદીઓની લાશ મળી હતી. તેમજ ગાઝા સરહદ ઉપર સુરક્ષા જવાનોએ નિયંત્રણ મેળવી લીધું છે. સરહદ ઉપરથી હજુ ઘુસણખોરી થવાની શક્યતા છે. તેમજ સરહદ પાસેના લોકોને સ્થળ મોકલી આપવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. હમાસે શનિવારે અચાનક ઈઝરાયલ ઉપર હજારો રોકેટથી હુમલો કર્યો હતો. એટલું જ નહીં હમાસના આતંકવાદીઓ સરહદ પરના તાર તોડીને ઈઝરાયલમાં ઘુસ્યા હતા.