ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ ન્યૂઝ ચેનલ અલ ઝઝીરાને ગણાવી આતંકી, દેશમાં લગાવ્યો પ્રતિબંધ
તેલ અવીવ: ઈઝારયાલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અલઝઝીરાના પ્રસારણ પર ઈઝરાયલમાં રોક લગાવી દીધી છે. નેતન્યાહૂએ અલ ઝઝીરાને આતંકી ચેનલ ગણાવી છે. સોમવારે ઈઝરાયલની સંસદમાં એક કાયદો પારીત કરીને અલ ઝઝીરાને પ્રતિબંધિત કરવામાં આવી. અલ ઝઝીરા પર ઈઝરાયલની સંસદમાં ગંભીર આરોપો લાગ્યા છે. ઈઝરાયલના પીએમએ કહ્યુ છે કે અલ ઝઝીરાથી દેશની સુરક્ષાને ખતરો છે. 7 ઓક્ટોબરે હમાસના હુમલામાં ભાગ લેવા અને ઈઝરાયલમાં હિંસા ભડકાવવાનો આરોપ અલ ઝઝીરા પર લગાવાયો છે.
બેન્જામિન નેતન્યાહૂએ એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું છે કે અલ ઝઝીરાએ ઈઝરાયલની સુરક્ષાને નુકશાન પહોંચાડયું. 7 ઓક્ટોબરે હુમલામાં હમાસની સાથે સક્રિયપણે ભાગ લીધો, તેની સાથે જ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસના સૈનિકો વિરુદ્ધ ઈઝરાયલના નાગરિકોને ઉશ્કેર્યા. નેતન્યાહૂએ કહ્યુ છે કે હવે સમય આવી ગયો છે કે ઈઝરાયલમાંથી હમાસના શોફરને હટાવવામાં આવે. આતંકી ચેનલ હવે ઈઝરાયલમાં પ્રસારીત નહીં થાય. હું ઈઝરાયલની સંસદમાં પારીત કાયદાને તાત્કાલિક લાગુ કરવા જઈ રહ્યો છું. હું ઓફિર કાટ્જના નેતૃત્વવાળા ગઠબધન સદસ્યોના સમર્થનમાં સંચાર મંત્રી શ્લોમો કરાઈ દ્વારા લાવવામાં આવેલા કાયદાનું સ્વાગત કરું છું.
મહત્વપૂર્ણ છે કે અલ ઝઝીરા કતર દેશનું એક મીડિયા જૂથ છે, તેનું મુખ્યમથક દોહા ખાતે કતર રેડિયો અને ટેલિવિઝન કોર્પોરેશન કોમ્પ્લેક્સમાં છે. આ સમૂહ અરબી અને અંગ્રેજી ભાષામાં પોતાની ઘણી ચેનલોના માધ્યમથી સમાચાર પ્રસારીત કરે છે. અલ ઝઝીરા કતરની સરકાર પાસેથી મોટું ફંડિંગ પ્રાપ્ત કરે છે, પરંતુ અલ ઝઝીરાએ આ આરોપોને ફગાવતા કહ્યું છે કે તેના ઉપર કતર સરકારનું કોઈ દબાણ નથી. અલ ઝઝીરા પોતાના રિપોર્ટિંગને લઈને અવાર-નવાર વિવાદમાં રહે છે. માનવામાં આવે છે કે તે કટ્ટર ઈસ્લામિક ચેનલ છે. તાજેતરમાં સીએએ લાગુ થવા પર ભારતની વિરુદ્ધ પણ અલ ઝઝીરાએ વિવાદીત ન્યૂઝ ચલાવ્યા હતા.