નવી દિલ્હીઃ સીરિયન રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે, દક્ષિણ સીરિયામાં અનેક સૈન્ય સ્થળો પર ઇઝરાયલી મિસાઇલ હુમલા કરવામાં આવ્યા, જેમાં બે લોકો માર્યા ગયા, જ્યારે એક સૈન્ય કર્મચારી ઘાયલ થયાના અહેવાલ છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇઝરાયેલે બુધવારે મોડી રાત્રે સીરિયાના કબજા હેઠળના દક્ષિણી ક્ષેત્ર સીરિયન ગોલાન હાઇટ્સમાં અનેક સ્થળોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. બ્રિટન સ્થિત મોનિટરિંગ ગ્રૂપે જણાવ્યું હતું કે, ઇઝરાયેલી મિસાઇલોએ તે સ્થળને સીધું નિશાન બનાવ્યું હતું જ્યાં લેબનીઝ હિઝબોલ્લાહ અને ઇરાની મિલિશિયાના સહયોગી જેહાદ અલ-બીના ફાઉન્ડેશનના સર્વિસ સેન્ટરમાં વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા.
તેમાં કહેવામાં આવ્યું છે કે, ત્યાંથી ધુમાડો નીકળવા લાગ્યો કે તરત જ એક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે જવા રવાના થઈ. તેમાં કહેવામાં આવ્યું છે કે, સીરિયન એર ડિફેન્સ સિસ્ટમ્સે પણ ઇઝરાયેલના હુમલાને રોકવા માટે મિસાઇલો છોડી હતી. ઈઝરાયેલે વારંવાર સીરિયન સૈન્ય સ્થળોને નિશાન બનાવ્યા છે. ખાસ કરીને જ્યાં ઈરાની તરફી મિલિશિયા અથવા લેબનીઝ હિઝબોલ્લાહ સાથે જોડાયેલા શસ્ત્રોના સંગ્રહની જગ્યાઓ છે.
ઓક્ટોબર મહિનામાં હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલ ઉપર આતંકવાદી હુમલો કર્યો હતો. હથિયારો સાથે ઈઝરાયલમાં ઘુસેલા અનેક આતંકવાદીઓને નિર્દોશોને ઠાર માર્યાં હતા. આ હુમલામાં 2000થી વધારે લોકોના મોત થયાં હતા. આ હુમલાને પગલે નારાજ ઈઝરાયલે હમાસના ખાતમા માટે પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ ગાઝામાં હમાસના ઠેકાણા ઉપર સતત હુમલા કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં આસપાસના દેશોમાં ધમધમતા કેટલાક આતંકવાદી સંગઠનોએ હમાસને સમર્થન આપ્યું હતું. ઈઝરાયલ દ્વારા આ સંગઠનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.