ઇઝરાયેલના અસ્તિત્વનો જંગ અને વિશ્વ પર નવું સંકટ
(સ્પર્શ હાર્દિક)
જી-ટ્વેન્ટી સમિટમાં ભારત અને અન્ય દેશોએ સાથે મળીને જે મહત્વાકાંક્ષી આઇમેક (‘ઇન્ડિયા મિડલ-ઇસ્ટ યુરોપ ઇકોનોમિકલ કૉરિડોર) માટે એમઓયુ કરેલ, એ હજુ આકાર લે એ પહેલાં જ અરબની ધરા પર ક્યારનોયે ભભૂકી રહેલો અગ્નિ પ્રચંડ થઈને અંતે ભીષણ યુદ્ધમાં પરિણમ્યો છે. આતંકવાદી સંગઠન હમાસના પાશવી હુમલા પછી ઇઝરાયેલ પોતાના અસ્તિત્વના જંગ માટે પ્રતિબદ્ધ થયું છે. હમાસ જે રીતે પોતાની ક્રુરતાના પુરાવાઓ વિડિયો સ્વરૂપે જાહેરમાં મૂકે છે, એ જોઈને અરબ વિશ્વના ઘણા ધર્માંધ મુસ્લિમોમાં ઇઝરાયેલ સામે જંગે ચડવાનું ખુન્નસ ચડી રહ્યું છે. હમાસના સ્વરૂપમાં આ ઇસ્લામિક સ્ટેટનો જાણે બીજો જન્મ થઇ રહ્યો હોય એવું લાગે છે. ઇઝરાયેલના યહૂદીઓ પાસે આખા વિશ્વમાં આ એકમાત્ર વતન છે, એટલે એ જીવ પર આવીને દુશ્મનોને એવો પાઠ ભણાવવા ઇચ્છશે, જે વર્ષો સુધી દુશ્મનોની સ્મૃતિમાંથી ભૂંસાય નહીં.
હમાસે જે રીતે પરફેક્ટ આયોજન સાથે હુમલો કર્યો છે, એના આધારે ડિફેન્સ ક્ષેત્રના તજજ્ઞોનું માનવું છે કે આવું હમાસ એકલાહાથે કરી જ ના શકે. એને તાલીમ, હથિયાર અને દરેક પ્રકારની મદદ મળેલી છે. મદદ કોણે કરી અને શા માટે, એ હજુ અટકળનો વિષય છે, જેમાં ચીન, કતાર અને ઇરાનનાં નામ ઊછળ્યા છે. ચીનનું વધતું જતું કદ વેતરવા માટે એના ‘બૅલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવ’ના જવાબ કે વિકલ્પ તરીકે ભારતના આઇમેક પ્રૉજેક્ટનો જન્મ થયેલો. મિડલ-ઇસ્ટ અને ઇઝરાયેલની આમાં ચાવીરૂપ ભૂમિકા રહેવાની હતી. વેપાર ત્યાં જ સારી રીતે થઈ શકે જ્યાં રાજકીય અને સામાજિક રીતે સ્થિરતા બનેલી હોય. આ માટે વર્ષોથી ઇઝરાયેલ સામે દુશ્મન જેમ વર્તતા અને એને નફરત કરતા દેશો કૂણું વલણ દાખવવા તૈયાર હતા એવું જણાતું હતું. સાઉદી અરેબિયા સાથે ઇઝરાયેલના સંબંધો ખરેખર સુધરી પણ રહ્યા હતા. ત્યાં જ એકાએક હમાસનો આતંકવાદી હુમલો ઇઝરાયેલને યુદ્ધમાં ધકેલી દે છે અને બધા સમીકરણો બગાડી નાખે છે. અરબ અને મિડલ-ઇસ્ટમાં તંગ થયેલી સ્થિતિને કારણે ભારતના આઇમેક પ્રૉજેક્ટ પર સંકટ ઘેરાયું છે.
આ સાથે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ જાણે ભૂલાઈ ગયું છે! પશ્ચિમી સત્તાને એમાં રસ છે કે વિશ્વમાં ક્યાંક તો ભીષણ યુદ્ધ સળગતું જ રહેવું જોઈએ. અફઘાનિસ્તાનનું પ્રકરણ પૂર્ણ થયા પછી એકાએક ક્યાંકથી યુક્રેનની સરહદે સમસ્યા મોટી બની અને રશિયા સામે અમેરિકા અને નૅટોએ શિંગડા ભરાવવાનું શરૂ કરી દીધું. એ સાથે રશિયા પર અનેકો સેન્ક્શન નાખ્યાં, પરંતુ રશિયાને એના પ્રમાણમાં ખાસ કોઈ હાનિ પહોંચી હોય એવું લાગતું નથી. કહેવાઈ રહ્યું છે કે અમેરિકાને ઇઝરાયેલ પર થનારા આટલા મોટા હુમલા વિશે ખ્યાલ હોવો જ જોઈએ, પરંતુ એણે જાણી જોઈને નજર ફેરવી લીધી હશે. આમ પણ યુક્રેન યુદ્ધમાં અમેરિકાને હવે ખાસ રસ રહ્યો નથી. યુરોપના દેશો પણ ધીમે ધીમે યુક્રેનમાં ઓછો રસ લેતા દેખાય છે. યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ મંદ પડી રહ્યું છે કે પાડવામાં આવી રહ્યું છે ત્યારે, શસ્ત્રોના ધંધામાં મંદી ન આવે એ માટે ક્યાંક બીજે યુદ્ધ સળગે એ શસ્ત્રોના સોદાગરો માટે જરૂરી છે. હમાસના હુમલા અને ઇઝરાયેલના વળતા આક્રમક જવાબ પાછળ આવો તર્ક પણ રહેલો છે.
જીઑપૉલિટિકલ ચર્ચાઓમાં એક થીઅરી એવી સામે આવી છે કે, આઇમેક પ્રૉજેક્ટને અત્યારથી જ ભાંગી નાખવાના ઇરાદાથી અરબ વિશ્વમાં અશાંતિ પ્રસરાવવામાં ચીનનો હાથ હોવો જોઈએ. આઇમેક પ્રૉજેક્ટ સફળ થાય તો ચીનના ‘બૅલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવ’ની હાર ગણાય. ઇઝરાયેલ પ્રત્યે કટ્ટર દુશ્મની દાખવનાર ઇરાન કે કતારની મારફતે ચીને હમાસે કરેલા હુમલા પાછળ પરોક્ષ રીતે કોઈ ભૂમિકા ભજવી હશે એવી શંકા જન્મી છે. જોકે, બીજી થીઅરી આનાથી વિરુદ્ધ ચિત્ર રજૂ કરે છે અને જણાવે છે કે આ શાંતિ પહેલાંનું યુદ્ધ હોવું જોઈએ. આઇમેક પ્રૉજેક્ટ સફળ થાય એમાં મિડલ-ઇસ્ટના દેશો અને ચીનને ડામવા મથતા અમેરિકાનો સ્વાર્થ રહેલો છે. પરંતુ એ માટે જરૂરી શાંતિ અને સ્થિરતા માટે હમાસ જેવા પ્રખર ધર્માંધ સંગઠનોનો ખાતમો થવો આવશ્યક છે. એટલ જ, ઇઝરાયેલ પૂરી તાકતથી હંમેશ માટે આસપડોશમાંથી આતંકવાદી તત્ત્વોનો વિનાશ કરવા યુદ્ધે ચડી રહ્યું છે.
આ બંનેમાંથી કઈ થીઅરી સાચી પડે છે એ તો આવનારો સમય જ જણાવશે, પરંતુ એ પહેલાં હમાસના આતંકવાદી હુમલાએ ભારત જેવા દેશોમાં એ ચિંતા પ્રસરાવી દીધી છે કે, અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થાથી સજ્જ ઇઝરાયેલ જેવો દેશ પણ આવા પાશવી હુમલાનો શિકાર બની શકે તો આપણે પણ આપણી સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર વિચાર કરી એની નાનામાં નાની ખામી પણ ઝડપથી સુધારી લેવી પડશે. ઇઝરાયેલની ડિફેન્સ સિસ્ટમ વધુ પડતી ટૅક્નોલોજી પર આધાર રાખતી થઈ અને હ્યુમન ઇન્ટેલિજન્સને બીજા ક્રમે મૂકવાથી ગંભીર ચૂક થઈ હોવાનું તજજ્ઞો જણાવે છે. કહે છે કે હમાસે ડિસેપ્શનની ટેક્નિક અપનાવી એવી ખોટી જાણકારી પ્રસરાવી કે કશુંક થવાનું છે, પણ એ ઇઝરાયેલની ઉત્તરે વૅસ્ટ બેન્ક સેટલમેન્ટ પાસે થશે. ગાઝા પટ્ટીમાંથી હમાસ ત્રાટકશે એવો કોઈ અંદાજો જ ન આવવા દીધેલો. એટલે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સને હુમલાના સ્થળ સુધી પહોંચતા કલાકો લાગી ગયેલા. આ દરમિયાન હમાસને પાશવી રીતે કત્લેઆમ કરી બંધકોને પાછા ગાઝા સુધી લઈ જવાનો સમય મળી ગયેલો.
ઇઝરાયેલની એક સૌથી મોટી ભૂલ એ કે તે ઘણા સમયથી મોટી સંખ્યામાં ગાઝાનાં લોકોને સરહદ ઓળંગી આવવા દેતું હતું. આ લોકોમાં હમાસના આતંકવાદીઓ પણ હતા, જેમણે ઇઝરાયેલની સુરક્ષા વ્યવસ્થાની બારીકીઓ જાણી લીધી. હમાસે પૂરતો સમય લીધો અને આવેશમાં આવી કશું કરવાને બદલે અત્યંત ધીરજથી આ હુમલાનું આયોજન કર્યું. ગાઝા પટ્ટીનાં મહત્તમ લોકોની છાપ ઉપદ્વવી પ્રજા તરીકેની છે. આ લોકોને ઇઝરાયેલનો પડોશી દેશ ઇજિપ્ત કે અન્ય કોઇ મુસ્લિમ દેશો પણ પોતાને ત્યાં આવવા દેવા ઇચ્છુક નથી, પરંતુ તેઓ ઇઝરાયેલમાં આવી રોજગાર મેળવતા. પોતાના દમ પર સમૃદ્ધ થયેલું ઇઝરાયેલ ગાઝાને વિજળી, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ આપી મદદરૂપ પણ થતું. કિન્તુ આવા માનવતાવાદી વલણનો ઇઝરાયેલને જે બદલો મળ્યો એનો ઘાવ લાંબા સમય સુધી ભરાશે નહીં.
ભારતના સુરક્ષા તંત્રે આ ઘટના પછી ઘણો મોટો બોધપાઠ લેવાનો રહેશે. અહીં ગેરકાયદેસર પ્રવેશીને કરોડોની ભીડમાં ખોવાઈ જતાં પડોશી દેશોનાં લોકોમાંથી કોણ કેવા બદઇરાદા રાખે છે એ જાણવું અશક્ય છે. કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરાયેલા આતંકવાદીઓ વર્ષો સુધી શાંત રહી, યોગ્ય સમયની રાહ જોવાની ધીરજ દાખવી શકે છે. માનવતાવાદી થવું અને રાષ્ટ્રિય સુરક્ષામાં ચૂક પણ ન થવા દેવી, આ બંને વચ્ચે સંતુલન રાખવાનું કામ કપરું છે, પરંતુ જો માનવતાવાદી વલણના પરિણામે દેશનાં જ લોકોના જીવ પર જોખમ આવે તો એ મંજૂર ન રાખી શકાય, કેમ કે કોઈ પણ રાષ્ટ્રનો સૌથી પહેલો ધર્મ પોતાના નાગરિકોની રક્ષાનો છે.
hardik.sparsh@gmail.com