Site icon Revoi.in

ચંદ્રના અંધારામાં લેન્ડર વિક્રમ, ઈસરો ચીફે કહ્યુ- અમે સંપર્કની આશા હજી છોડી નથી

Social Share

ઈસરોએ ત્રણ સપ્તાહથી વધારે સમય પહેલા ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગની કોશિશ દરમિયાન સંપર્કથી બહાર થયેલા ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કાયમ કરવાની કોશિશોને હજી છોડી નથી. ગત સાતમી સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગથી કેટલીક મિનિટ પહેલા વિક્રમનો જમીની સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો હતો. તેના પછી જ બેંગલુરુ ખાતે અંતરીક્ષ એજન્સી લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે શક્ય તમામ કોશિશો કરી રહી છે. પરંતુ ચંદ્ર પર રાત્રિ શરૂ થવાને કારણે દશ દિવસ પહેલા આ કોશિશોને સ્થગિત કરી દેવામાં આવી હતી. ઈસરો ચીફ કે. સિવને મંગળવારે કહ્યુ છે કે હાલ આ શક્ય નથી, ત્યા રાત્રિ થઈ રહી છે. કદાચ તેના પછી અમે તેને શરૂ કરીશું. આપણા લેન્ડિંગ સ્થળ પર પણ રાત્રિનો સમય થઈ રહ્યો છે.

ચંદ્ર પર રાત્રિ થવાનો મતલબ છે કે લેન્ડર હવે અંધારામાં જઈ ચુક્યું છે. તેમણે કહ્યુ છે કે ચંદ્ર પર દિવસ થયા બાદ અમે કોશિશ કરીશુ. ચંદ્રયાન-2 ઘણું જટિલ મિશન હતું, જેમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવના અછૂતા હિસ્સાઓની શોદ કરવા માટે ઓર્બિટર, લેન્ડર અને રોવરને એકસાથે મોકલવામાં આવ્યા હતા. ઈસરોએ પ્રક્ષેપણ પહેલા કહ્યુ હતુ કે લેન્ડર અને રોવરના જીવનકાળ એક ચંદ્ર દિવસ એટલે કે ધરતીના 14 દિવસો બરાબર હશે. કેટલાક અંતરીક્ષ વિશેષજ્ઞોનું માનવું છે કે લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવો હવે ઘણું મુશ્કેલ લાગે છે.

ઈસરોના એક અધિકારીએ ઓળખ ગુપ્ત રાખવાની શરતે કહ્યુ છે કે મને લાગે છે કે ઘણાં દિવસો પસાર થઈ ગયા બાદ સંપર્ક કરવો ઘણો મુશ્કેલ થશે. પરંતુ કોશિશો કરવામાં કોઈ મુશ્કેલી નથી. એમ પુછવામાં આવતા કે શું ચંદ્ર પર રાત્રિના સમયે અત્યાધિક ઠંડીમાં લેન્ડર દુરસ્ત સ્થિતિમાં રહી શકે છે. અધિકારીએ કહ્યુ કે માત્ર ઠંડી જ નહીં, પરંતુ ઝાટકાથી થયેલી અસર પણ ચિંતાની વાત છે, કારણ કે લેન્ડર ઝડપી ગતિથી ચંદ્રની સપાટી પર પડયું હશે. આ ઝાટકાને કારણે લેન્ડરની અંદર કોઈ ચીજોને નુકસાન પહોંચી શકે છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે સિવને કહ્યુ છે કે ઓર્બિટર ઠીક છે.